Gujarat

ડાકોરથી મહેમદાવાદના ખાત્રક ચોકડીને જોડતા હાઇવેમાં પ્રથમ વરસાદમાં ગાબડાં

By GS TEAM
18 Jun 20252 mins read
ડાકોરથી મહેમદાવાદના ખાત્રક ચોકડીને જોડતા હાઇવેમાં પ્રથમ વરસાદમાં ગાબડાં

- 150 કરોડના ખર્ચે બનેલા રોડમાં બેદરકારી દાખવાની બૂમ 

- કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ખાત્રકથી ડાકોર તરફ કેસરાના પેટ્રોલ પાસે રોડની જમણી બાજુએ ખાડા પડયા

નડિયાદ : ખેડાના યાત્રાધામ ડાકોરને મહેમદાવાદના ખાત્રક ચોકડીને જોડાતો ૧૫૦ કરોડના ખર્ચે બનેલો હાઇવેમાં પહેલા જ વરસાદમાં ગાબડાં પડયા છે. હાઇવેના કામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. 

યાત્રાધામ ડાકોરને મહેમદાવાદની ખાત્રક ચોકડી તરફના હાઇવેની મોટાભાગની કામગીરી પૂર્ણ કરાઇ છે. હજૂ હાઇવેની કામગીરી ચાલી રહી છે.આજે પ્રથમ વરસાદમાં રોડ બેસી જવાની અને ઠેરઠેર ખાડા પડવાની શરૂઆત થઇ છે. ખાત્રકથી ડાકોર તરફ જતા કેસરા નજીક પેટ્રોલ પંપ પાસે રોડની જમણી બાજુએ ખાડા પડી ગયા હતા. તંત્રની ઘોર બેદરકારી અને કરોડો રૂપિયાની ગ્રાન્ટમાં થતી લાલિયાવાડી સામે આવી છે. રોડના કામમાં નબળી કક્ષાનું મટિરિયલ વાપરમાં આવ્યું હોવાની અને નિયમો નેવે મૂક્યાની ચર્ચા ઉઠી છે. આ હાઇવેના કામમાં બેદરકારી દાખવનાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માગણી ઉઠી છે.  

પાણી ભરાઈ રહેવાથી એક જ સ્થાને સમસ્યા થઈ છે : નાયબ કાર્યપાલક ઇજનેર 

આ સમગ્ર મામલે માર્ગ અને મકાન સ્ટેટના ખેડા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર ભરતભાઈ ચાવડાએ જણાવ્યુ હતુ કે, આ કેસરા નજીકની જે જગ્યા છે, ત્યાં નજીકમાં કોઈ કારણોસર પાણી ભરાઈ રહે છે, તે પાણી ઘણા મહિનાઓથી ભરાતુ હોય, ત્યાં લાંબા સમયથી આ પ્રશ્ન સર્જાયો છે અને તેના કારણે જ અહીંયા મહિનાઓ પહેલાથી જ રોડનું લેવલીંગ બગડયુ છે. આ જગ્યાએ કાયમી ઉકેલ લાવવા માટે સૂચન આપી દીધુ છે. જેથી પુનઃ આવી સ્થિતિ ન થાય તે મુજબનો ઉકેલ લાવવામાં આવશે.