વઢવાણના વાડલા પાસે નર્મદા કેનાલમાં ગાબડાં- 200 વીઘાનું વાવેતર નિષ્ફળ

ખેતરોમાં
પાણી ભરાયેલા રહેતા બિનઉપયોગી બન્યા,
ખેડૂતોને ખેતી છોડવાનો વારો આવ્યો4
બોટાદ
બ્રાંચ કેનાલમાં લીકેજ અને ગાબડા પડવાની સમસ્યા દસ વર્ષ જુની, નર્મદા વિભાગના
અધિકારીઓને અનેકવાર રજૂઆત છતાં તંત્ર કાર્યવાહી કરતું જ નથી
સુરેન્દ્રનગર -
સુરેન્દ્રનગર જિલ્લાને નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ મળતો હોવાના
સરકારી દાવાઓ વચ્ચે વઢવાણ તાલુકાના વાડલા ગામ પાસેથી પસાર થતી નર્મદાની બોટાદ બ્રાંચની
મુખ્ય કેનાલમાં છેલ્લા ૧૦ વર્ષથી ગાબડાં અને લીકેજની ગંભીર સમસ્યાએ આસપાસના ખેડૂતોની
હાલત કફોડી બનાવી દીધી છે. ખેતી આધારિત આ જિલ્લામાં જ્યાં કેનાલ આશીર્વાદરૃપ બનવી જોઈએ,
ત્યાં તે નુકસાન પહોંચાડી રહી છે.
વાડલા
ગામની સીમમાંથી પસાર થતી આ મુખ્ય કેનાલમાં લીકેજ અને ગાબડાંને કારણે ૩૦થી વધુ
ખેડૂતોના અંદાજે ૨૦૦ વીઘાથી વધુ ખેતરોમાં સતત પાણી ભરાયેલું રહે છે. પરિણામે, ખેડૂતોએ વાવેતર કરેલા
કપાસ, મગફળી, એરંડા, ચણા, શાકભાજી સહિતના તમામ પાકો નિષ્ફળ ગયા છે.
ખેતરોમાં વધુ પડતા ભેજ અને પાણી ભરાયેલા રહેવાથી ટ્રેક્ટર પણ વાવણી માટે અંદર જઈ
શકતું નથી. લીકેજ કેનાલના કારણે અનેક ખેતરો બિનઉપયોગી બની ગયા છે. ખેડૂતો હવે ખેતી
છોડી અન્ય વ્યવસાય તરફ વળવા મજબૂર બન્યા છે, પરંતુ આ પડતર
ખેતરો ખરીદવા પણ કોઈ તૈયાર થતું નથી. ખેડૂતોએ તાત્કાલિક ધોરણે મુખ્ય કેનાલના
ગાબડાં અને લીકેજનું સમારકામ કરવાની માંગ કરી છે.
ખેડૂતો
દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી આ સમસ્યા અંગે નર્મદા વિભાગના અધિકારીઓ, કાર્યપાલક ઇજનેર અને
સ્થાનિક રાજકીય આગેવાનોને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, તેમ
છતાં પરિણામ શૂન્ય છે. તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.
અધિકારીઓ
ગાડીમાં જ ખેડૂતોને સાંભળીને રવાના થયા
ખેડૂતોની
અનેક રજૂઆત બાદ નર્મદા વિભાગના અધિકારીઓ અને ટીમે કેનાલની મુલાકાત લીધી હતી, પરંતુ અધિકારીઓએ નીચે
ઉતરી પરિસ્થિતિથી વાકેફ થવાને બદલે ગાડીમાં જ બેસી ખેડૂતોની રજૂઆત સાંભળી આગળ તરફ
રવાના થયા હતા.

