પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં ગાંજાની હેરાફેરી
૯.૯૩ લાખ કિંમતનો ૧૯.૮૬૦ કિલો ગાંજાના ૧૦ પેકેટો કબજે કરાયા

વડોદરા, તા.1 ઓરિસ્સાથી આવતી લાંબા અંતરની ટ્રેનોમાં નશાકારક ગાંજાની હેરાફેરી યથાવત રહી છે. પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચના શૌચાલય પાસે એક બિનવારસી બેગમાંથી ગાંજાનો મોટો જથ્થો મળતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ રેલવે એસઓજીના માણસો ગઇ રાત્રે ટ્રેનોમાં ચેકિંગ માટે ગયા હતાં. દરમિયાન સુરત તરફથી આવતી પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. મકરપુરા રેલવે સ્ટેશન પસાર થયા બાદ એસ-૩ રિઝર્વેશન કોચમાં ચેકિંગ કરાતું હતું ત્યારે પાછળના ભાગના શૌચાલય પાસે નીચેના ભાગે એક ડાર્ડ ગ્રે કલરનો કાપડનો થેલો પડયો હતો. આ થેલાના માલિક અંગે એસ-૩ અને એસ-૪ કોચમાં પૂછપરછ કરતાં કોઇનો નહી હોવાનું જાણવા મળ્યું હતું.
દરમિયાન થેલો સહેજ ખોલી જોતા અંદર ખાખી કલરની સેલોટેપ વિંટાળેલ ૮ અને કલરના ગિફ્ટ રેપિંગ પેપર વિંટાળેલ ૨ મળી કુલ ૧૦ પેકેટો જણાયા હતાં. આ પેકેટો પૈકી એક પેકેટ સહેજ ખોલી જોતા નશાકારક પદાર્થ ગાંજાની અતિ તીવ્ર ગંધ આવતી હતી. દરમિયાન પોલીસે થેલો કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે કુલ રૃા.૯.૯૩ લાખ કિંમતનો ગાંજાનો ૧૯.૮૬૦ ગ્રામ જથ્થો કબજે કરી વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

