Gujarat

વલસાડના પારડીમાં શાકભાજીની આડમાં થતી ગાંજાની ખેતી ઝડપાઈ, શ્રમિકની ધરપકડ, જમીન માલિક વોન્ટેડ

By GS TEAM
10 Jun 20262 mins read
TukuTouch Logo
વલસાડ જિલ્લામાં અગાઉ મકાનો અને વાહનોમાંથી માદક પદાર્થો પકડાવાની ઘટનાઓ સામે આવ્યા બાદ, હવે સીધેસીધું ગાંજાનું આખું ખેતર મળી આવતા સનસનાટી મચી ગઈ છે. પારડી તાલુકાના સરોધી ગામે આવેલા એક ખેતરમાં વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને ગાંજાના 18 જેટલા લીલાછમ છોડ શોધી કાઢ્યા છે. પોલીસે સ્થળ પરથી આશરે 37.15 લાખ રૂપિયાની કિંમતનો 74.310 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે જમીન માલિકને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વલસાડના પારડીમાં શાકભાજીની આડમાં થતી ગાંજાની ખેતી ઝડપાઈ, શ્રમિકની ધરપકડ, જમીન માલિક વોન્ટેડ

Ganja Farm Busted in Valsad: વલસાડ જિલ્લામાં અગાઉ મકાનો અને વાહનોમાંથી માદક પદાર્થો પકડાવાની ઘટનાઓ સામે આવ્યા બાદ, હવે સીધેસીધું ગાંજાનું આખું ખેતર મળી આવતા સનસનાટી મચી ગઈ છે. પારડી તાલુકાના સરોધી ગામે આવેલા એક ખેતરમાં વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને ગાંજાના 18 જેટલા લીલાછમ છોડ શોધી કાઢ્યા છે. પોલીસે સ્થળ પરથી આશરે 37.15 લાખ રૂપિયાની કિંમતનો 74.310 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે જમીન માલિકને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

ગુપ્ત બાતમીના આધારે SOG નો સપાટો

મળતી માહિતી મુજબ, વલસાડ એસઓજીને એક ગુપ્ત અને સચોટ બાતમી મળી હતી કે પારડીના સરોધી ગામના બરવાળી ફળિયામાં ગેરકાયદેસર નશીલા પદાર્થનું વાવેતર કરાયું છે. આ બાતમીના આધારે પીઆઈ અને તેમની ટીમે હર્ષિલ નરેન્દ્રભાઈ પટેલ નામના વ્યક્તિની માલિકીની જમીનમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો.

FSL ની મદદથી કરાઈ ચકાસણી

દરોડા દરમિયાન પોલીસને ખેતરમાં શંકાસ્પદ છોડ વાવેલા જોવા મળ્યા હતા. પોલીસે તાત્કાલિક એફએસએલ (FSL) ની ટીમની મદદ લઈને સ્થળ પર જ વૈજ્ઞાનિક પરીક્ષણ કરાવ્યું હતું, જેમાં આ તમામ 18 છોડ ગાંજાના જ હોવાનું સ્પષ્ટ તારણ બહાર આવ્યું હતું. પોલીસે આ તમામ છોડ મૂળમાંથી ઉખેડીને કુલ 74.310 કિલોગ્રામ વજનનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 37.15 લાખ રૂપિયા આંકવામાં આવી છે.

શ્રમિકની ધરપકડ, જમીન માલિક વોન્ટેડ

પોલીસે કાર્યવાહી દરમિયાન ખેતરમાં હાજર શ્રમિક જીતેન્દ્ર ઉર્ફે જીતુ અમ્રતભાઈ વારલી (ઉંમર વર્ષ 23, રહેવાસી- માની, કપરાડા) ની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. જીતુએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તે જમીન માલિક હર્ષિલ પટેલના કહેવાથી જ અહીં ગાંજાના બિયારણની વાવણી કરીને ખેતી કરી રહ્યો હતો. આ કબૂલાતના આધારે પારડી પોલીસે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ કાયદેસરનો ગુનો નોંધીને શ્રમિક જીતેન્દ્રની ધરપકડ કરી લીધી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર અને જમીન માલિક હર્ષિલ પટેલને વોન્ટેડ જાહેર કરીને તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.