ચિલોડા પાસે મહિલાનો ૯૫ હજારનો સોનાનો દોરો લઈ ગઠિયાઓ ફરાર
હું માતાજીનો ભુવો છું કહી વાતોમાં ભોળવીેને
ગામની જ મહિલાઓ બજારમાં આવી હતી ત્યારે મોપેડ ઉપર આવેલા બે ગઠીયાએ કળા કરી
ગાંધીનગર : ગાંધીનગરમાં ગઠિયાઓનો તરખાટ વધી રહ્યો છે ત્યારે ચિલોડા પાસે માતાજીનો ભુવો હોવાનું કહીને મહિલાઓને વાતોમાં ઉલજાવી ૯૫ હજાર રૃપિયાનો સોનાનો દોરો લઈને બે ગઠીયાઓ ફરાર થઈ ગયા છે. જે સંદર્ભે ચિલોડા પોલીસે ગુનો દાખલ કરી ગઠિયાઓની શોધખોળ શરૃ કરી છે.
પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરી અને ચીલ
ઝડપની ઘટનાઓ વધી રહી છે ત્યારે હવે ગઠિયાઓ પણ પોલીસને દોડાવી રહ્યા છે. શહેર નજીક
આવેલા ચિલોડા પાસે આજે મોપેડ ઉપર આવેલા બે ગઠિયાઓ દ્વારા મહિલાના ૯૫ હજારના સોનાના
દોરાને સેરવી જવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો
પ્રમાણે ચિલોડામાં રહેતા અમરતબેન રામજીભાઈ પટેલ તેમની સોસાયટીમાં રહેતા જશોદાબેન
સાથે ચિલોડા બજારમાં ખરીદી કરવા માટે આવ્યા હતા. આ દરમિયાન એક મોપેડ ઉપર બે
વ્યક્તિઓ તેમની પાસે આવ્યા હતા. જે પૈકી એક વ્યક્તિએ કહ્યું હતું કે હું માતાજીનો
ભૂવો છું. મારે ઉપવાસ ખોલવાના છે મંદિર ક્યાં આવ્યું છે. જેના પગલે આ મહિલાએ મને
ખબર નથી તેમ કહ્યું હતું અને ત્યારબાદ સ્વામિનારાયણ મંદિર ક્યાં આવ્યું તેમ પૂછીને
તેમની સાથે વાતો કરીને ઉલજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શરૃઆતમાં તેમની બંગડીઓ
માંગી હતી અને તે આપવાની ના પાડતા ચશ્મા માગ્યા હતા. જે પહેર્યા બાદ તુરંત જ પરત
આપી દીધા હતા. જોકે ત્યારબાદ આ મહિલાએ પહેરેલો ૯૫ હજાર રૃપિયાનો સોનાનો દોરો લઈને
મોઢામાં મૂકી દીધો હતો અને મહિલાની નજર હટતા જ આ શખ્સો મોપેડ લઈને ત્યાંથી ફરાર થઈ
ગયા હતા. મહિલાએ બુમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા
પોલીસ દ્વારા નાકાબંધી કરીને ગઠિયાઓને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી હતી.