Get The App

ગંગીયલ ગામમાં 27 શખ્સોના ટોળાનો હુમલો, પરિવારના 7 સભ્યો ઈજાગ્રસ્ત

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
ગંગીયલ ગામમાં 27 શખ્સોના ટોળાનો હુમલો, પરિવારના 7 સભ્યો ઈજાગ્રસ્ત 1 - image

- જૂની અદાવતમાં લાકડીઓ અને ધારિયા લઈ તૂટી પડયાં

- પોલીસ વાન આવતા શખ્સો 'જો ફરી અમારું નામ લેશો તો જાનથી મારી નાખીશું' તેવી ધમકી આપી ફરાર, ગુનો નોંધાયો 

નડિયાદ : કઠલાલ તાલુકાના ગંગીયલ ગામમાં રવિવારની રાત્રે લોહિયાળ ખેલ ખેલાયો હતો. જૂની અદાવતનું ઝેર ઓકતા ગામના જ ૨૭ જેટલા શખ્સોએ એકસંપ થઈ લાકડીઓ અને ધારિયા જેવા ઘાતક હથિયારો સાથે એક પરિવાર પર તૂટી પડયા હતા. આ હિંસક હુમલામાં ફરિયાદી સહિત પરિવારના સાત સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.

ગંગીયલ ગામે રહેતા અને ખેતીકામ કરતા જીતેન્દ્રકુમાર જુવાનસિંહ ડાભી રવિવારે રાત્રે ૮ઃ૩૦ વાગ્યાની આસપાસ પોતાના પરિવાર સાથે ઘરે જમી રહ્યાં હતા. તે સમયે ગામના દિલીપ પ્રતાપભાઈ ડાભી અને અર્જુન પ્રતાપભાઈ ડાભી સહિત ૨૭ લોકોનું ટોળું 'જીતુ ક્યાં ગયો?' તેમ કહી અપશબ્દો બોલતા ટોળું તેમના ઘરમાં ધસી આવ્યું હતું. ગેરકાયદે મંડળી રચીને આવેલા આ શખ્સોએ કંઈ પણ સમજ્યા વિના પરિવાર પર હુમલો કરી દીધો હતો. હુમલાખોરોમાં સામેલા દિલીપભાઈ પ્રતાપભાઈએ ધારિયા વડે ભુપતસિંહના માથામાં ઘા ઝીંક્યો હતો, જ્યારે અશ્વિન નટવરભાઈએ ફરિયાદી જીતેન્દ્રકુમારને લાકડી ફટકારી હતી. આટલેથી ન અટકતા, આરોપી અશ્વિન રામાભાઈ, પ્રગ્નેશ ભરતભાઈ અને અલ્પેશ દેવાભાઈએ પણ લાકડીઓ ઉલાળી પૃથ્વિરાજ, જબ્બરસિંહ અને કલ્પેશને નિશાન બનાવ્યા હતા. હુમલામાં પુરૂષોની સાથે મહિલાઓને પણ છોડવામાં આવી નહોતી. રમેશ ચુનીભાઈ અને મહેશ બાદરભાઈએ સવિતાબેન અને ગીતાબેનને લાકડીઓ મારી ઈજા પહોંચાડી હતી.

આ હુમલામાં સામેલ અન્ય આરોપીઓમાં બાદર રાવજીભાઈ, અશ્વિન રામાભાઈ, દેવા સોમાભાઈ, છત્રસિંહ રામસિંહ, ધર્મેન્દ્રસિંહ દેવાભાઈ, ભુપત રામાભાઈ, પરેશ મહેન્દ્રભાઈ, નિલેશ અર્જુનભાઈ, રામા રાવજીભાઈ, દિલીપ કાન્તિભાઈ, સાહીલ દિલીપભાઈ, પ્રહલાદ કાન્તિભાઈ, મહેન્દ્ર પ્રભાતભાઈ, હર્ષદ રમણભાઈ, વિક્રમ છગનભાઈ, બીપીન મફતભાઈ, તેમજ ગડવેલ ગામના ટીકા ફકીરભાઈ, વિક્રમ ફકીરભાઈ અને સંજય વખતસિંહ ડાભીનો સમાવેશ થાય છે.

બુમાબુમ થતા અને પોલીસની ૧૧૨ વાન આવતા તમામ આરોપીઓ 'જો ફરી અમારું નામ લેશો તો જાનથી મારી નાખીશું' તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ મારફતે કઠલાલ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં પણ આરોપી અર્જુન ડાભીએ આવીને ધમકી આપી હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે. ગંભીર ઈજાઓને પગલે ડોક્ટરોએ તમામ ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે નડીયાદ સિવિલ હોસ્પિટલ રીફર કર્યા છે. કઠલાલ પોલીસે જીતેન્દ્રકુમાર ડાભીની ફરિયાદના આધારે તમામ ૨૭ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસની અલગ-અલગ ટીમો બનાવી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.