અમદાવાદમાં રિક્ષા અને બસમાં નજર ચૂકવીને મુસાફરોને લૂંટી લેતી ગેંગ પકડાઈ, બે મહિલા સહિત 4ની ધરપકડ
બીઆરટીએસ બસમાં આર્મીમેનની પત્નીના એક લાખના સોનાના દાગીનાની લૂંટનો ભેદ ઉકેલાયો
રિક્ષામાં બેસાડીને મુસાફરની નજર ચૂકવી તેના થેલામાંથી 88 હજાર કાઢી લેવાનો ગુનો ઉકેલાયો
Updated: Aug 9th, 2023
અમદાવાદઃ શહેરમાં લૂંટ અને ઘરફોડની ચોરીઓના કિસ્સાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. તે ઉપરાંત એસટી બસમાં નજર ચૂકવીને મુસાફરોનો સામાન ચોરી લેતી મહિલાઓની ગેંગ પણ સક્રિય થઈ ગઈ છે. ત્યારે ક્રાઈમ બ્રાંચે અલગ અલગ ગુનાઓમાં બે મહિલાઓ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે રિક્ષામાં એકલ દોકલ મુસાફરને બેસાડીને તેની નજર ચૂકવી લૂંટ ચલાવતા બે આરોપીઓની ક્રાઈમ બ્રાંચ શોધ કરી રહી હતી. અસલમઅલી અંસારી તથા ભૂપેન્દ્ર પરમાર નામના બે આરોપીઓએ આઠેક દિવસ પહેલાં ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસેથી એક મુસાફરને બેસાડીને તેને ભૂતની આંબલી પાસે ઉતારી દીધો હતો. તેના થેલામાંથી આરોપીઓએ 88 હજાર રૂપિયા કાઢી લીધા હતાં. આ ગુનામાં ક્રાઈમ બ્રાંચે બંને આરોપીઓને ઝડપીને ગુનો ઉકેલી નાંખ્યો છે. ક્રાઈમ બ્રાંચે આરોપીઓ પાસેથી રિક્ષા અને રોકડ સહિત કુલ ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
જ્યારે બીજા ગુનામાં બીઆરટીએસ બસમાં જતાં નિવૃત્ત આર્મી જવાનની સિનિયર સિટિજન પત્નીના પર્સમાથી નજર ચૂકવીને દોઢ લાખના સોનાના નેકલેસની થયેલ ચોરીનો ગુનો પણ ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાંખ્યો છે. ક્રાઈમ બ્રાંચે આરોપી માલતી ગાયકવાડ અને રામેશ્વરી ગાયકવાડની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. બંને આરોપી મહિલાઓ પાસેથી ક્રાઈમ બ્રાંચે એક લાખથી વધુની કિંમતનો સોનાનો નેકલેસ કબજે કર્યો હતો.