જામનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કાર્યવાહી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોને સસ્તા ભાવે સોલાર પેનલ લગાવી દેવાનું પ્રલોભન આપી નાણાં પડાવી છેતરપિંડી
જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર રહેતા એક નાગરિકે પોતાના ઘેર સોલાર પેનલ ફીટ કરી આપવાના બાબતે એક ખાનગી કંપનીના બે સંચાલકો સામે સીટી સી. ડિવિઝન પોલીસમાં મથકમાં છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી હતી, ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવાઇ રહી હતી અને જામનગરની સાયબર ક્રાઈમ પોલીસની ટીમે આ પ્રકરણમાં તપાસમાં ઝુંકાવ્યું હતું. જે પ્રકરણની ઊંડાણપૂર્વકની તપાસ બાદ પોલીસની ટીમે એક ટોળકીના પાંચ સભ્યોને ઝડપી લીધા છે. ટોળકીએ કંપનીની સોલાર પેનલની ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત આપી કંપનીના નામે લોકો સાથે સાયબર ઠગાઈ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પાંચ આરોપીની અટકાયત કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી ૧૨ નંગ મોબાઈલ ફોન, બે નંગ સી.પી.યુ., ૮ નંગ જુદી જુદી બેંકની પાસબુક, ચેકબુક સહિતનું સાહિત્ય કબજે કરાયું છે. આ પ્રકરણમાં તેની સાથે સંકળાયેલા અન્ય છઠ્ઠા આરોપી કાનાભાઇ બૈડીયાવદરાને ફરારી જાહેર કરાયો છે, જે મુખ્ય સૂત્રધાર મનાય છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
કુલ દોઢેક કરોડનાં ચીટિંગનું પોલીસનું પ્રાથમિક અનુમાન
પોલીસને તપાસમાં એવું જાણવા મળ્યું હતું, કે આરોપીઓ ઈન્ફ્રીટી સોલાર પ્રાયવેટ લિ. નામક કંપનીના નામે સોશિયલ મીડિયા પર લોકોને સસ્તા ભાવે સોલાર પેનલ લગાવી આપવાનું પ્રલોભન આપી તેના માટે બેન્કમાંથી લોન કરાવી દીધા બાદ નાણા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી નાખતા હતા, અને સોલાર પેનલ ફીટ નહીં કરી આપી, છેતરપિંડી કરી હતી. વધુ તપાસ દરમ્યાન એમ પણ ખુલ્યું છે કે આરોપીઓએ આ રીતે ૧૦૦ કરતાં વધુ લોકો સાથે કુલ મળીને અંદાજે દોઢેક કરોડ રૂપિયાનો સાયબર ફ્રોડ આચરી, સોલાર પેનલ ખરીદવાના બહાને લોન અપાવી, તે રકમ પોતાના અંગત બેંક ખાતામાં મેળવી હતી. ત્યારબાદ સોલાર પેનલ સ્થાપિત ન કરી, છેતરપિંડીથી મેળવેલ નાણાં પોતાના અંગત લાભ માટે વાપર્યા હતા.
પકડાયેલા પાંચ આરોપી કોણ- કોણ
* હિરેનભાઈ નાથાલાલ લાઠીયા (ઉ.વ.૩૭, રહે. તીરૂપતી પાર્ક ૭/બી ઢિંચડા રોડ મુળ રહે.કૃષ્ણકુંજ શેરી નં.૪ હિમાલય સોસયટી જામનગર), * ચેતનભાઈ અશોકભાઈ પાણખાણીયા (ઉ.વ.૩૬, રહે.નિલકમલ સોસાયટી શેરી નં.૫ ખોડીયાર કોલોની જામનગર), * રાહુલભાઈ રાજેન્દ્રપ્રશાદ ભટ્ટ (ઉ.વ.૫૨ રહે.૧/૨ મકવાણા સોસાયટી, શાંતિનગર પાછળ હરીયા સ્કૂલની સામે જામનગર), * અભયભાઈ જીતેન્દ્રભાઈ પરમાર (ઉ.વ.ર૮ રહે. ખોડીયાર કોલોની ન્યુ આરામ કોલોની કોળીનો દંગો જામનગર) * રામજી કમોદસિંઘ લોધી (ઉ.વ.૨૫ રહે. જકાતનાકા પાસે પાર્થ એપાર્ટમેન્ટ ત્રીજો માળ જામનગર).


