પાવર પ્લાન્ટને ટાર્ગેટ બનાવી ચોરી કરતી ટોળકી ઝબ્બે
- ગેંગના 4 સાગરીતોના નામ ખુલ્યા
- લોકલ ક્રાઈમબ્રાન્ચે સોલાર પેનલના કેબલ વાયર, વાયર કાપવાનાં કટરો, સ્ટીલની ટાંકીઓ મળી કુલ રૂ. 10.17 લાખનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર એલસીબી, પેરોલ ફર્લો સ્ક્વોર્ડનો સ્ટાફના ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો, તે દરમ્યાન પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે જીલ્લામાં છેલ્લા બે વર્ષથી રાત્રી દરમ્યાન સોલાર પાવર પ્લાન્ટમાંથી પેનલના કેબલ વાયરની ચોરીને અંજામ આપતા ભરત ડુંગરશીભાઇ વાઘેલા (રહે.ઇશ્વરીયા ગામ, તા.શિહોર), લાલજી ઉર્ફે લાલો કલ્યાણભાઇ ચૌહાણ (રહે.ઇશ્વરીયા ગામ, ડગાઇમાતાના મંદીરની પાસે, તા.શિહોર), અજય ઉર્ફે અજયો પ્રવિણભાઇ (રહે.ગુંદાળા વસાહત, ટોડા ભડલી, પાત્રા મીલની પાછળ, શિહોર), પરેશ બાબુભાઇ મકવાણા (રહે.ભોળાદ ગામ, તા.શિહોર), નિલેશ ઉર્ફે નિલુ ઉર્ફે ઘુઘો રાજુભાઇ રાઠોડ (રહે.ભોળાદ ગામ, તા.શિહોર), રાધેશ ઉર્ફે રાધે ઘુઘાભાઇ વાઘેલા (ઉ.વ.૨૫, રહે.ઉંડવી ગામ, બી.પી.એલ.ના મકાનમાં) ને સોલાર પેનલના કેબલ વાયર તથા વાયર કાપવાનાં કટરો તથા સ્ટીલની ટાંકીઓ તથા ચોરનો મુદ્દામાલ વેંચી મેળવેલ રોકડ રૂપિયા તથા ચોરીનો મુદ્દામાલ હેરફેર કરવામાં વાપરેલ વાહનો મળી કુલ રૂ.૧૦,૧૭,૬૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.પકડાયેલી ટોળકીની પૂછપરછ હાથ ધરતા ચોરીમાં વધુ મહેશ મથુરભાઇ મકવાણા, ગોપાલભાઇ નરશીભાઇ મકવાણા,અજય ડાયાભાઇ પરમાર,ગોપાલભાઇ ગોહેલ સામેલ હોવાની કબૂલાત કરી હતી.
ભાવનગર શહેર જિલ્લામાં થયેલ ચોરીઓનો ભેદ ઉકેલાયો
ભાવનગર જિલ્લાના ગારીયાધારના ૨, પાલીતાણા રૂરલના ૩, સોનગઢના ૧, શિહોર-૧, વરતેજ-૧ મળી કુલ ૮ ચોરીઓના ભેદ ઉકેલાયા છે.