Gujarat

કલોલમાં ભંગાર વીણવાના બહાને ઘરફોડ ચોરી કરતી મહિલા ટોળકીનો પર્દાફાશ

By GS TEAM
22 Mar 20262 mins read
કલોલમાં ભંગાર વીણવાના બહાને ઘરફોડ ચોરી કરતી મહિલા ટોળકીનો પર્દાફાશ

ગાંધીનગર એલ.સી.બીએ એક મહિલાને પકડી બે ગુના ઉકેલ્યા

ભંગાર વીણતી મહિલાઓ બંધ મકાનોને નિશાન બનાવતી ઃ લોખંડના સળિયાથી તાળા તોડતા હતા

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબી દ્વારા કલોલમાં ભંગાર વીણવાના બહાને શહેરમાં ફરીને બંધ મકાનોને નિશાન બનાવતી મહિલા ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એક મહિલાને પકડીને બે જેટલા ગુનાઓને ઉકેલવામાં આવ્યો છે જ્યારે અન્ય ચારની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લામાં મિલ્કત સંબંધી અને વાહન ચોરીના વણશોધાયેલા ગુનાઓ ઉકેલવા માટે ગાંધીનગર રેન્જ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવ તથા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી. જેનાં પગલે એલ.સી.બી.-૧ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. વાળાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કલોલ વિસ્તારમાં ભંગાર વીણવાના બહાને ફરતી મહિલાઓ દ્વારા બંધ મકાનોમાં ચોરી કરવામાં આવતી હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. એલ.સી.બી.ની ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે કલોલ-પીયજ રોડ પર આવેલ શક્તિ રોયલ ફ્લેટની સામે કાચા છાપરામાં રહેતી મહિલાઓ ચોરીની પ્રવૃત્તિમાં સામેલ છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી અંજુબેન સુનીલભાઇ વાઘેલાને ઝડપી લીધી હતી. પકડાયેલ આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેણે અન્ય પાંચ સાગરીતો રોશનીબેન દંતાણી, જાનકી ઠાકોર, કોમલબેન ઠાકોર, રૃપાબેન અને કૃણાલ મારવાડી સાથે મળીને કલોલ શહેર અને તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીઓને અંજામ આપ્યો હતો. આ ગેંગની મહિલાઓ ભંગાર, પ્લાસ્ટિકની બોટલો કે પુંઠા વીણવાના બહાને સોસાયટીઓમાં રેકી કરતી હતી. જો કોઈ મકાન કે ફ્લેટ બંધ જણાય, તો ગેંગની કેટલીક મહિલાઓ બહાર વોચમાં ઊભી રહેતી, જ્યારે અન્ય મહિલાઓ લોખંડના સળિયા વડે તાળા તોડી અંદર પ્રવેશતી હતી. તેઓ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરીને પલાયન થઈ જતી હતી. કલોલના બે ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.