વડોદરાના ઉંડેરામાં ત્રાટકેલી વડવા ચડ્ડીબંડી ધારી ગેંગ પકડાઇઃમહેસાણા,પાલનપુર અને દાહોદમાં પણ નેટવર્ક
વડોદરાઃ વડોદરાના ઉંડેરા વિસ્તારમાં બે મહિના પહેલાં ત્રાટકેલી ચડ્ડીબંડી ધારી ગેંગના ચાર સાગરીતોને પોલીસે ઝડપી પાડયા છે.પ્રાથમિક પૂછપરછમાં ટોળકીએ ઉંડેરા વિસ્તારમાં બે મકાનમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી છે અને ૮.૫૦લાખના દાગીના પણ મળ્યા છે.
શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં થતી ચોરીઓમાં ચડ્ડીબંડી તેમજ બુકાની પહેરીને ત્રાટકતી ગેંગ ભારે ધાક ફેલાવતી હોવાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોરીના બનાવોના સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સને આધારે દાહોદની એક ગેંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
કિશનવાડી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુકેશ માવી, કમલેશ માવી,સુખરામ માવી અને કલ્પેશ માવી(તમામ રહે.વડવા ગામ,ગરબાડા જિ.દાહોદ)ને ઝડપી પાડયા હતા.પોલીસે આ ગેંગ પાસે સોનાચાંદીના દાગીના કબજે કર્યા હતા.
પૂછપરછ દરમિયાન વડવા ગેંગ તરીકે ઓળખાતી આ ટોળકી ઉંડેરાની અવધ વિહાર તેમજ મની વુડ રેસિડેન્સી ખાતે બે મહિના પહેલાં ત્રાટકી હોવાની વિગતો ખૂલી હતી.આ ટોળકી દ્વારા મહેસાણા,પાલનપુર અને દાહોદમાં પણ ગુના આચરવામાં આવ્યા હોવાની વિગતો ખૂલતાં પોલીસે રાજ્યની તમામ પોલીસને આરોપીઓ વિશે જાણ કરી છે.
ટ્રેનમાં સફર કરતા હતા,રસ્તાથી દૂર હોય તેવા મકાનને ટાર્ગેટ કરતા હતા
લૂંટારૃ ટોળકી દ્વારા પોલીસથી બચવા માટે જાતજાતના પેંતરા અજમાવવામાં આવતા હોવાની વિગતો પૂછપરછ દરમિયાન બહાર આવી છે.
પોલીસે કહ્યું હતું કે,લૂંટારાઓ ટ્રેનમાં અવરજવર કરતા હતા અને કામ પતાવીને તરત જ શહેર છોડી જતા હતા.તેઓ રસ્તાથી થોડે દૂર એકાંત હોય તેવા બંધ મકાનોને પસંદ કરતા હતા.
આ ઉપરાંત લૂંટારાઓ જ્યાં એક વાર ચોરી કરી હોય તે વિસ્તારમાં ફરીથી ત્રાટકવાનું ટાળતા હતા.તેમણે જવાહરનગર વિસ્તારમાં બે સ્થળે ચોરી કર્યાની કબૂલાત કરી છે અને બીજા પણ કેટલાક વિસ્તારોમાં ચોરીનો પ્રયાસ કર્યો હોવાની વિગતો ખૂલી છે.