Get The App

ગાંધીનગરમાં ફરી કારમાંથી સાયલેન્સર ચોરી કરતી ટોળકી ફરી સક્રિય થઈ

Updated: Nov 28th, 2025

GS TEAM

Google News
Google News
ગાંધીનગરમાં ફરી કારમાંથી સાયલેન્સર ચોરી કરતી ટોળકી ફરી સક્રિય થઈ 1 - image

સેક્ટર-૪માં એક જ રાતમાં ત્રણ કારમાંથી ચોરી

પોલીસે અગાઉ પકડાયેલી ટોળકીના સાગરિતોની શોધખોળ શરૃ કરી ઃ  શિયાળો શરૃ થતાની સાથે ચોરી વધી

ગાંધીનગર :  ગાંધીનગરમાં થોડા સમયથી બંધ થઈ ગયેલી સાયલેન્સર ચોરીની ઘટનાઓ ફરી વધી રહી છે. સેક્ટર ૪માં એક જ રાતમાં ત્રણ કારમાંથી સાઇલેન્સરની ચોરી થવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે સેકટર-૭ પોલીસ મથકમાં ૯૦ હજારની ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આમ તો ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રાત્રિના સમયે કારમાંથી સાઇલેન્સર ચોરી જવાની ઘટનાઓ વધી હતી પરંતુ ગાંધીનગર એલસીબીની ટીમે અગાઉ ટોળકીને ઝડપી લીધા બાદ આ ગુનાઓ અટકી ગયા હતા પરંતુ છેલ્લા થોડા દિવસોથી ફરીથી સાઇલેન્સર ચોરી જતી ટોળકી સક્રિય થઇ હોય તેમ લાગી રહ્યું છે. શહેરના સેક્ટર ૪-સી, પ્લોટ નં. ૧૨૮૪/૦૨માં રહેતા અને ગોલ્ડ વેલ્યુઅર તરીકે કામ કરતા શૈલેશકુમાર હરીલાલ સોનીએ પોતાની ઇકો કાર સોમવારના રોજ રાત્રે ઘર પાસે પાર્ક કરી હતી. વહેલી સવારે તેમના પડોશી ધીરજભાઈ બગેરીયાએ તેમને ફોન કરીને જાણ કરી હતી કે તેમની ગાડી પાસે કોઈ અજાણ્યા ઈસમો હિલચાલ કરી રહ્યા છે. જોકે, શૈલેશકુમાર બહાર આવે તે પહેલાં જ તસ્કરો ત્યાંથી ભાગી ગયા હતા. તપાસ કરતાં ગાડીનું સાયલેન્સર ગાયબ હોવાનું અને ગાડીનો અવાજ બદલાઈ ગયેલો જણાયું હતું. જોકે તેમણે તપાસ કરતાં તેમના જ વિસ્તારમાં રહેતા જયેશકુમાર મૂળજીભાઈ રાઠોડ અને પરેશભાઈ બળદેવભાઈ વાણંદની કારમાંથી પણ તસ્કરો દ્વારા સાઇલેન્સર ચોરી લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ સંદર્ભે હાલ સેક્ટર ૭ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા તસ્કરો કાર લઈને આવ્યા હતા અને આ સાઇલેન્સર ચોરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. જેથી સીસીટીવી ફૂટેજને આધારે તેમની શોધખોળ શરૃ કરવામાં આવી છે.