Gujarat

સિક્યોરિટી જવાનને રિક્ષામાં બેસાડીને ટોળકીએ ૨૦ હજાર રૃપિયા સેરવી લીધા

By GS TEAM
14 Oct 20252 mins read
સિક્યોરિટી જવાનને રિક્ષામાં બેસાડીને ટોળકીએ ૨૦ હજાર રૃપિયા સેરવી લીધા

ગાંધીનગરમાં મુસાફરોને નિશાન બનાવતી ટોળકી

જવાન વતનમાં જવા માટે સે-૧૬ પાસેથી રિક્ષામાં બેઠા તે દરમિયાન ગઠિયાઓએ કળા કરી

ગાંધીનગર :  ગાંધીનગર શહેરમાં રિક્ષામાં આવીને મુસાફરોને નિશાન બનાવતી ટોળકીનો તરખાટ વધી રહ્યો છે ત્યારે સિક્યોરિટી જવાનને રિક્ષામાં બેસાડીને ગઠિયાઓ દ્વારા ૨૦ હજાર રૃપિયા સેરવી લેવામાં આવ્યા હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે હાલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગઠીયાઓનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે રિક્ષામાં આવીને મુસાફરોના કીમતી માલ સામાનની ચોરી કરી લેતી ટોળકીનો તરખાટ વધી રહ્યો છે. આ સ્થિતિમાં ગાંધીનગર શહેરમાં જ મુસાફરોને રિક્ષામાં બેસાડીને નિશાન બનાવવામાં આવી રહ્યા છે ત્યારે આ વખતે સેક્ટર ૧૬માં આવેલી બેંકમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા જવાનને નિશાન બનાવવામાં આવ્યા છે. આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સુરજસિંહ દલપતસિંહ રાઠોડ ગત ૨૯ તારીખે દુર્ગાષ્ટમી હોવાથી તેમના વતનમાં જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન સેક્ટર ૧૬ પાસે રીક્ષાની રાહ જોઈને ઉભા હતા આ દરમિયાન એક સીએનજી રીક્ષા આવી હતી અને તેમાં ડ્રાઇવર સહિત પાંચ વ્યક્તિઓ બેઠેલા હતા. આ દરમિયાન પાછળ બેઠેલા વ્યક્તિએ સંકળાશ પડે છે તમે સીધા બેસો તેમ કહીને ત્રણ વખત ઉભા કર્યા હતા. આ દરમિયાન તેમના ખિસ્સામાંથી ૨૦ હજાર રૃપિયા રોકડા સેરવી લેવામાં આવ્યા હતા. જોકે સુરજસિંહ દ્વારા રીક્ષા ઉભી રાખવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ આગળ જઈને રિક્ષા ઉભી રાખી દેવામાં આવી હતી. ત્યારબાદ રીક્ષા ત્યાંથી નીકળી ગઈ હતી અને તેમણે તેમના ખિસ્સામાં તપાસ કરતાં ૨૦,૦૦૦ રૃપિયા જણાયા ન હતા. જેથી આ સંદર્ભે સેક્ટર ૨૧ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા ગઠિયાઓને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.