Get The App

લગ્નની લાલચ આપી કન્યા બતાવી રૂપિયા ખંખેરતી ટોળકી ઝડપાઈ

Updated: May 3rd, 2025

GS TEAM


Google News
Google News
લગ્નની લાલચ આપી કન્યા બતાવી રૂપિયા ખંખેરતી ટોળકી ઝડપાઈ 1 - image


- રૂા. 5.70 લાખનો મુદ્દામાલ જપ્ત : 7 ગુનાની કબૂલાત

- પરિવારની બે વીઘા જમીન ગીરવે મૂકી 1.35 લાખ આપી યુવક માટે કન્યા જોઈ, 3 આરોપીઓ રૂપિયા ઓળવી નાસી છૂટયા

કપડવંજ : દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં અપરણિત પુરૂષોને લગ્નની લાલચ આપી કન્યા બતાવી રૂપિયા ખંખેરતી ગેંગના ત્રણ સાગરિતોને કપડવંજ પોલીસે ઝડપી પાડયા છે. શખ્સો પાસેથી રૂા. ૫.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી સાત ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

અંબાજી મુકામે ફરિયાદીને મહિના પહેલા માનતા (બાધા) કરવા જવાનું હોવાથી કપડવંજ આવીને ઇકો ગાડી ભાડે કરી હતી. તે વખતે ગેંગના સભ્ય જીતેન્દ્રભાઈ પટેલની ઇકો ગાડી ભાડે કરી અંબાજી જતા ફરિયાદીના દિકરાના લગ્ન બાકી હોવાની જીતેન્દ્રભાઈ પટેલને થઈ હતી. જેથી તેમના સાગરિતો ભરૂચથી કાજલબેન ઉર્ફે રેખાબેન તથા તેના મિત્ર કેતનભાઈ ડોબરિયાને કપડવંજ બોલાવી લીધા હતા. ફરિયાદી તથા તેમના દિકરાને ગેંગની સભ્ય કાજલને કન્યા તરીકે બતાવી લગ્ન કરાવી આપવાનું કહી વિશ્વાસમાં લીધા હતા. ફરિયાદીએ દિકરાનો ઘર સંસાર વસાવવા બે વીઘા જમીન ગીરો મૂકીને રૂા. ૧.૩૫ લાખ જીતેન્દ્રભાઈ તથા તેમની ગેંગને આપ્યા હતા. 

બાદમાં હોટેલમાં જમવાનું બહાનું બતાવી પિતા અને પુત્રને હોટેલ બહાર ઉતારી ઈકો ગાડીમાં ગેંગના ત્રણેય સાગરિતો ફરાર થઈ ગયા હતા. આ અંગેની ફરિયાદ બાદ કપડવંજ નગરના સીસીટીવી અને મોબાઈલ ટ્રેકરના આધારે ગેંગના જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ ભીખાભાઈ પટેલ (હાલ રહે. શિવાલીક સોસાયટી, ગાબટ રોડ મુ.તા.બાયડ જિ.અરવલ્લી મુળ રહે. કોજાણ કંપા તા.બાયડ), કેતનભાઈ ઉર્ફે વિજય જયસુખભાઈ ડોબરિયા- પટેલ (રહે. ફાચરીયા તા.ધારી જિ.અમરેલી), રેખાબેન ઉર્ફે કાજલબેન રમેશભાઈ વસાવા હાલ રહે.જલારામ ફળિયું, કાંતીપાડા ગામ, તા.નેત્રંગ જિ.ભરૂચ)ના ત્રણેય સભ્યોને રૂા. ૫.૭૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. 

કન્યા બતાવી નક્કી કરેલી રકમ લઈ ગેંગ ફરાર થઈ જતી હતી

પોલીસની પૂછપરછમાં અપરણિત પુરૂષોને લગ્નની લાલચ આપી કન્યાના સગાને મોટી રકમ આપવાની થશે તેવું જણાવી કન્યા બતાવી નક્કી કરેલી રકમ મેળવી લઇ સ્થળ ઉપરથી નાસી જઈ ગુનાને અંજામ આપતા હોવાની કબૂલાત કરી હતી. 

કયા કયા ગુનાનો ભેદ ઉકેલાયો

ઈડરમાં ૪ માસ અગાઉ શખ્સ પાસેથી ૫૦ હજાર, અંકલેશ્વરના ગુમાનદેવના વ્યક્તિ પાસેથી પાંચ મહિના પહેલા ૨૫ હજાર, સુરતના શખ્સ પાસેથી ૩ મહિના પૂર્વે ૩૦ હજાર, વડોદરાના પુરૂષ પાસેથી પાંચ મહિના પહેલા ૨૦ હજાર, સુરતના પુરૂષને અંકલેશ્વર જીઆઈડીસીમાં બોલાવી ૧૦ હજાર, રાજકોટના અને ધોળકાના શખ્સો પાસેથી ૨૦-૨૦ હજાર રકમ પડાવી લીધી હોવાની કબૂલાત આરોપીઓએ કરી છે. 

Tags :