પંચમહાલના કાલોલમાં ગણેશ વિસર્જન દરમિયાન ચાર લોકો નદીમાં ડૂબ્યા, એકનું મોત
Panchmahal News: ગુજરાતમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન પંચમહાલના કાલોલમાં મીરાપુરીમાં ગોમા નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન ચાર લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક લોકોની મદદથી ત્રણ લોકોને બચાવી લેવાયા છે. જ્યારે એક વ્યક્તિનું ડૂબી જતા મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને એક વ્યક્તિનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો હતો.
યુવકના મોતથી ગામમાં શોકનો માહોલ છવાયો
મળતી માહિતી અનુસાર, કાલોલના મીરાપુરી ગામે ઉત્સાહભેર ગણેશ વિસર્જન માટે કેટલાક યુવકો ગોમાં નદીમાં ઉતર્યા હતા. ગણેશ વિસર્જન બાદ સ્નાન કરી રહેલા કેટલાક યુવકો પૈકી ચાર યુવકો નદીમાં ડૂબ્યા હતાં. આ દરમિયાના ઘટનાસ્થળે હાજર લોકોએ ત્રણ લોકોને બચાવી લીધા હતા. જ્યારે એક યુવકનું કરૂણ મોત નિપજ્યું હતું. નોંધનીય છે કે, ગણેશોત્સવની ખુશી વચ્ચે યુવક મોતને ભેટતા ગામમાં શોક માહોલ છવાયો ગયો હતો.