અમદાવાદમાં 28મીએ ગણેશ વિસર્જન અને 29મીએ ઈદનું જુલુસ નીકળશે, SRP અને RAFની ટુકડી ખડેપગે
મુસ્લિમ બિરાદરોએ 28ની જગ્યાએ 29મીએ જુલુસ કાઢવાની તૈયારી દર્શાવતા પોલીસને રાહત
Updated: Sep 27th, 2023
અમદાવાદઃ આગામી 28 સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં ગણેશ વિસર્જન અને ઈદેમિલાદનો તહેવાર એક સાથે ઉજવાશે. ત્યારે દેશમાં કેટલાક રાજ્યોમાં ઈદે મિલાદનું જુલુસ 29મી સપ્ટેમ્બરે યોજવા નક્કી કરાયું હોવાથી ગુજરાતમાં પણ અમદાવાદ સહિતના વિસ્તારોમાં 29 સપ્ટેમ્બરે આ જુલુસ યોજાશે. શહેરમાં કોમી એખલાસ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે પણ તૈયારી કરી દીધી છે. મુસ્લિમ બિરાદરોએ 28ની જગ્યાએ 29મીએ જુલુસ કાઢવાની તૈયારી દર્શાવતા પોલીસને પણ રાહત મળી છે.
SRPસાથે RAFની ટુકડી ખડેપગે રહેશે
અમદાવાદમાં ડીસીપી કોમલ વ્યાસે જણાવ્યું હતું કે,ગણેશ વિસર્જન અને ઈદનું જુલુસ એક સાથે નીકળે તો પોલીસ માટે પડકાર બની શકે એમ હોવાથી પોલીસે મુસ્લિમ સમાજના આગેવાનો સાથે ચર્ચાઓ કરી હતી. અમદાવાદમાં પોલીસે ગણેશ વિસર્જન અને ઈદના જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા કડક બંદોબસ્ત ગોઠવવા પ્લાન તૈયાર કરી દીધો છે. શહેરમાં 9 ડીસીપી, 77 પીઆઇ, 200 જેટલા પીએસઆઇ અને હોમગાર્ડ તેની સાથે આરએએફની 14 ટુકડી અને એસઆરપીની 1 ટીમ પણ બંને દિવસ શહેરના રસ્તા પર હાજર રહેશે.શહેરમાં કોઈપણ સંજોગોમાં કોમી એખલાસનો માહોલ ન બગડે તે માટેની શહેર પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.