Gujarat

વડોદરાનો ઐતિહાસિક માંડવી ગેટ જર્જરિત બનતાં ગણેશ મંડળો ચારદરવાજામાં DJ ને બદલે ઢોલ-નગારા વગાડશે

By GS TEAM
16 Jul 20252 mins read
વડોદરાનો ઐતિહાસિક માંડવી ગેટ જર્જરિત બનતાં ગણેશ મંડળો ચારદરવાજામાં DJ ને બદલે ઢોલ-નગારા વગાડશે

વડોદરાઃ વડોદરાનો ઐતિહાસિક માંડવી ગેટ જર્જરિત થયો હોવાથી આગામી ગણેશોત્સવ દરમિયાન ચાર દરવાજામાં ડીજે નહિ વગાડવા માટે ગણેશ મંડળો શરત સાથે તૈયાર થયા છે.તેમણે એક વર્ષ દરમિયાન ડીજે સાથે બીજી કોઇ પણ શોભાયાત્રા નહિ નીકળે તેની બાંયધરી માંગી છે.

આગામી તા.૨૭મી ઓગષ્ટથી દુંદાળા દેવની પધરામણી થનાર હોવાથી વડોદરામાં સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણી કરતા મંડળો સાથે પોલીસ અધિકારીઓએ મીટિંગ કરી હતી.જે દરમિયાન માંડવી ગેટ જર્જરિત થયો હોવાથી અને તેનું સમારકામ ચાલી રહ્યું હોવાથી ડીજે તેમજ ફટાકડા નહિ ફોડવા અપીલ કરવામાં આવી હતી.

ગણેશ મંડળોએ શહેરની શાન સમાન માંડવી ગેટને નુકસાન થતું હોય તો આ વર્ષ પુરતું ડીજે નહિ વગાડવા સંમતિ આપી હતી. સાથેસાથે તેમણે સમારકામ પૂર્ણ ના થાય ત્યાં સુધી રાજકીય કે બીજી કોઇ પણ શોભાયાત્રા ના નીકળવી જોઇએ તેવી બાંયધરી માંગી હતી.

આ ઉપરાંત મંડળોએ ચાર દરવાજાના લહેરીપુરા ગેટની બહાર આતશબાજી કરવા માટે પણ મંજૂરી માંગી હતી.પોલીસે પણ કાયદાની મર્યાદામાં સહયોગ આપવાની તૈયારી દર્શાવતાં મંડળોએ ચાર દરવાજામાં ડીજે ને બદલે ઢોલ,નગારાં,ત્રાસા જેવા વાદ્યો સાથે શોભાયાત્રા કાઢવાનો નિર્ણય લીધો હતો.

શ્રીજીની પ્રતિમા 5 ફૂટ અને બેઠક સાથેની પ્રતિમા 9 ફૂટથી ઊંચી નહિ રખાય

ગણેશોત્સવ નિમિત્તે પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિધ્ધ કરી શ્રીજીની મૂર્તિની ઊંચાઇ સહિતના મુદ્દે સૂચનાઓ આપી છે.

પોલીસના કહ્યા મુજબ,શ્રીજીની માટીની પ્રતિમા ૫ ફૂટથી ઊંચી નહિ રાખી શકાય અને બેઠક સાથેની પ્રતિમા ૯ ફૂટથી ઊંચી ન હોવી જોઇએ. જ્યારે,પીઓપીની કોઇ પણ પ્રતિમા ૫ ફૂટથી ઊંચી નહિ રાખી શકાય.તમામ પ્રતિમાઓનું વિસર્જન ઇસ્યુ કરેલા પાસ મુજબ કૃત્રિમ તળાવમાં કરવું પડશે.નદી અને તળાવોમાં વિસર્જન નહિ કરી શકાય.

મૂર્તિકારો તેમજ તેનું વેચાણ કરનારાને ટ્રાફિકને અડચણ ના થાય,ગંદકી ના થાય અને ખંડિત કે વધેલી મૂર્તિઓ બિનવારસી હાલતમાં નહિ મૂકવા સૂચના અપાઇ છે.જ્યારે વિસર્જન બાદ તમામ મંડપો એક દિવસમાં કાઢી નાંખવા કહેવાયું છે.રૃટ તેમજ ધાર્મિક લાગણી ના દુભાય તેની પણ તકેદારી રાખવા કહેવાયું છે.