ગણનાયકની આરાધનાના મહાપર્વ ગણેશ મહોત્સવનું આજે સમાપન થશે
- અગલે વર્ષ તુ જલ્દી આના નારા સાથે ગણેશજીને વિદાય અપાશે
- ઝાલાવાડમાં ઠેર-ઠેર અબીલ-ગુલાલની છોળો વચ્ચે, બેન્ડવાજા અને ડીજેના સંગાથે ગજાનની વિસર્જન યાત્રા નિકળશે
સુરેન્દ્રનગર : વિઘ્નહર્તા ગજાનનની આરાધનાના ગણેશ મહોત્સવનું આજે તા.૬ સપ્ટેમ્બરને શનિવારે અનંત ચતુર્દશીએ સમાપન થશે. આ પ્રસંગે ડીજે અને બેન્ડવાજાના સંગાથે, અબીલ ગુલાલની છોળો વચ્ચે આતશબાજીની જમાવટ અને જયઘોષ સાથે વાજતે ગાજતે વિસર્જનયાત્રા નિકળશે.
પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ઝાલાવાડમાં ગત તા.૨૭ ઓગસ્ટના ગણેશ ચતુર્થીથી ૧૦ દિવસીય ગણેશ ઉત્સવનો પરંપરાગત રીતે ધામધૂમથી શુભારંભ થયો હતો. સ્થાનિક શેરી, મહોલ્લાઓમાં ઠેરઠેર ગણેશ ઉત્સવના પારિવારિક અને સાર્વજનિક આયોજનો કરાયા હતા. ઉત્સવ દરમિયાન દરરોજ ધાર્મિક, સામાજિક, સેવાકિય તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભકિતભાવપૂર્વક આરાધના કરાઈ હતી. ગત વર્ષની તુલનામાં આ વર્ષે પણ સાર્વજનિકની તુલનામાં ૩ દિવસીય, ૫ દિવસીય અને સાત દિવસીય પારિવારિક આયોજનો સર્વાધિક થયા હતા. ઉત્સવ દરમિયાન ભાવિકોની મોંઘેરી મહેમાનગતિ માણીને આવતીકાલ તા.૬-૯ ને શનિવારે સવારથી શુભ મુર્હૂતે ભારે હૈયે ભાવિકો દ્વારા શરણાઈ, ઢોલ, નગારા, શંખનાદ, ઝાલરનાદ સાથે ગણપતિબાપા મોરિયા, અગલે વર્ષ તુ જલ્દી આના નારા સાથે વિનાયકનેે વિદાયમાન આપવામાં આવશે.