ચોટીલા હાઈવે પર ખેરડી ગામ પાસેથી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઈંગ્લીશ દારૂનું કટીંગ ઝડપી પાડયું
- ઈંગ્લીશ દારૂ 8596 બોટલ કિંમત રૂા. 1.19 કરોડ, પીકઅપ વાન સહિત કુલ રૂા. 1.26 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો
- ઈંગ્લીશ દારૂ મંગાવનાર મુખ્ય આરોપી સહિત 10 શખ્સો સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથધરી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પરથી બહારના રાજયોમાંથી મોટાપાયે ઈંગ્લીશ દારૂ ઘુસાડવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે જેને ધ્યાને લઈ સ્થાનીક પોલીસને અંધારામાં રાખી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)ની ટીમે ચાલુ કટીંગ દરમ્યાન રેઈડ કરી હાઈવે પર આવેલ ખેરડી ગામ પાસેથી ઈંગ્લીશ દારૂ અને પીકઅપ વાન સહિત કરોડો રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
આ અંગે એસએમસી સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચોટીલા હાઈવે પર ખેરડી ગામ પાસે આવેલ નાગરાજ હોટલ સામે ખુલ્લી જગ્યામાં ઈંગ્લીશ દારૂનું કટીંગ થતું હોવાની બાતમી અને ફરિયાદના આધારે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેઈડ કરી હતી જેમાં ટીમને જોઈ મુખ્ય આરોપી સહિતનાઓ હાજર મળી આવ્યા નહોતા પરંતુ સ્થળ પરથી ઈંગ્લીશ દારૂની ૮૫૯૬ બોટલો કિંમત રૂા.૧,૧૯,૧૦,૦૦૦ એક પીકઅપ વાન કિંમત રૂા.૭,૦૦,૦૦૦ સહિત કુલ રૂા.૧,૨૬,૧૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે વધુ તપાસ દરમ્યાન ચોટીલાના નાની મોલડી ગામમાં રહેતા દિલીપભાઈ બાવકુભાઈ ધાંધલ મુખ્ય સુત્રધ્ધાર અને ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું જ્યારે હાજર મળી ન આવેલ પીકઅપ વાનના માલીક, પીકઅપ વાનના ડ્રાઈવર, મુખ્ય શખ્સના અન્ય છ અજાણ્યા સાગરીતો અને ઈંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર સહિત કુલ ૧૦ જેટલા શખ્સો સામે ચોટીલા પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. જ્યારે બીજી બાજુ એસએમસી ટીમ દ્વારા મોટાપાયે ચોટીલા હાઈવે પરથી ઈંગ્લીશ દારૂનું કટીંગ સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરતા સ્થાનીક પોલીસની કામગીરી સામે ફરી અનેક સવાલો ઉભા થયા છે અને આ મામલે આગામી દિવસોમાં નવાજુની થવાના એંધાણ પણ વરતાઈ રહ્યાં છે.