ગાંધીનગરમાં રફતારનો કહેર, કારચાલકે બે એક્ટિવા ચાલકને ફંગોળ્યા; મહિલા કારચાલક ઝડપાઈ

Road Accident: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ફરી એકવાર બેફામ રફતારનો કહેર જોવા મળ્યો છે. ઈન્ફોસિટી વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક કારચાલકે બે વાહનોને ટક્કર મારી ફંગોળી દીધા હતા, જેમાં બે એક્ટિવાચાલકોને ઈજા થઈ હતી. ગાંધીનગરના ઘ સર્કલ પાસેના ઈન્ફોસિટી વિસ્તારમાં આ ઘટના બની હતી.
મળતી માહિતી મુજબ, કારચાલકે રોંગ સાઇડમાં આવી રહેલા બે એક્ટિવાચાલકોને અડફેટે લેતા ઇજા થવા પામી હતી. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત સર્જીને કારચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટી હતી, પરંતુ રવિવારે મોડી રાત્રે તે પોતે જ ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી. પોલીસે કારચાલક જ્યોતિ રાય નામની મહિલાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધનીય છે કે, ગાંધીનગરના ઘ સર્કલ પાસે અગાઉ પણ અકસ્માતની ઘટનાઓ બની ચૂકી છે. ફરી એકવાર આ વિસ્તારમાં બનેલા આ બનાવથી ટ્રાફિક નિયમોના પાલન અને બેફામ ડ્રાઇવિંગ પર અંકુશ મેળવવાની જરૂરિયાત ઊભી થઈ છે. ઈન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.