ગાંધીનગરમાં પોલીસ જવાનો સામે આવાસનું સંકટ, નિવૃત્ત-બદલી પામેલા કર્મીઓએ કર્યો છે 'ગેરકાયદે કબજો'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gandhinagar Police Housing Crisis: ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવનારા પોલીસ જવાનો પોતે જ અત્યારે આવાસની વ્યવસ્થાને લઈને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગાંધીનગર પોલીસ લાઇનમાં કાયદેસર રીતે રહેવા માટે 1,061 જેટલા પોલીસ કર્મચારીઓ લાંબા સમયથી પ્રતિક્ષામાં છે, ત્યારે બીજી તરફ અનેક ફ્લેટો પર નિવૃત્ત કે બદલી પામેલા કર્મચારીઓએ 'અનધિકૃત' કબજો જમાવી રાખ્યો હોવાનું સામે આવ્યું છે.
નિયમોનું સરેઆમ ઉલ્લંઘન
સરકારી નિયમ અનુસાર, કોઈપણ પોલીસ કર્મચારીની બદલી થાય અથવા તેઓ નિવૃત્ત થાય તેના 3 મહિનાની અંદર સરકારી આવાસ ખાલી કરી દેવું ફરજિયાત છે. તેમ છતાં, ગાંધીનગરના વિવિધ સેક્ટરોમાં આવેલા પોલીસ આવાસોમાં અનેક પરિવારો નિયમ વિરુદ્ધ ગેરકાયદે રીતે વસવાટ કરી રહ્યા છે. આ ઉપરાંત, કેટલાક એવા કિસ્સા પણ સામે આવ્યા છે જેમાં પોલીસ કર્મચારીઓ ગાંધીનગરમાં પોતાના ખાનગી ફ્લેટ ધરાવતા હોવા છતાં પોલીસ લાઇનમાં સરકારી આવાસ પચાવી પાડ્યા છે.
ફરજ પરના જવાનોમાં ભારે રોષ
આ અંધાધૂંધીને કારણે હાલમાં ગાંધીનગરમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલો અને સબ-ઇન્સ્પેક્ટરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાત્રતા ધરાવતા હોવા છતાં આવાસ ન મળતાં જવાનોએ ખાનગી મકાનોમાં મોંઘા ભાડા ખર્ચીને રહેવા મજબૂર બનવું પડ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી પોલીસ હેડક્વાર્ટરમાં આવાસોનું પ્રોપર ચેકિંગ ન થયું હોવાને કારણે આ સ્થિતિ વધુ વણસી છે.
આંકડાકીય વિગત અને વર્તમાન સ્થિતિ
ગાંધીનગર પોલીસ વિભાગના આવાસ વિભાગના ડેટા મુજબ, 1,061 પોલીસ જવાનો આવાસની ફાળવણીની રાહ જોઈ રહ્યા છે. રહેઠાણની અછત હવે ગંભીર સ્તરે પહોંચી છે, જેના કારણે નવા ભરતી થયેલા કે બદલી થઈને આવેલા જવાનોને રહેવાની મોટી સમસ્યા ઊભી થઈ છે.
નિયમો હોવા છતાં 'અનધિકૃત' રીતે રહેતા લોકો સામે કેમ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી? શું પોલીસ વિભાગ પોતાના જ કર્મચારીઓ પાસે નિયમ મુજબ આવાસ ખાલી કરાવવામાં નિષ્ફળ રહ્યું છે? આ પ્રશ્નો અત્યારે પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, પોલીસ વડા આ મામલે તપાસ કરાવીને વેઇટિંગ લિસ્ટમાં રહેલા 1,061 જવાનોને ન્યાય અપાવવા માટે ક્યારે કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરે છે.








