AAP નેતાઓ પર હુમલા મુદ્દે વિધાનસભા પરિસરમાં વિરોધ, ભાજપ પર ગુંડાગર્દીના આક્ષેપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jigisha Patel Attack Case: રાજકોટ જિલ્લાના ગોંડલમાં 24 ફેબ્રુઆરીએ આપ નેતા જીગીશા પટેલ પર અજાણ્યા શખસો અને મહિલાઓના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. જે બાબતે આજે બુધવારે આપ નેતાઓએ વિધાનસભા પરિસરમાં રોષ ઠાલવી વિરોધ વ્યક્ત કર્યો, અને ભાજપના હોદ્દેદારો પર ગુંડાગર્દી આરોપ કરતાં કહ્યું હતું કે, ભાજપના ગુંડા જેવા કોર્પોરેટરે મહિલાઓનું ટોળું મોકલીને હુમલો કરાવ્યો હતો' સમગ્ર મામલે જો કાર્યવાહી ન થાય તો રોડથી લઈને વિધાનસભા સુધી ઉગ્ર વિરોધની પણ ચીમકી આપ નેતાઓ દ્વારા ઉચ્ચારવામાં આવી.
'ભાજપના નેતાઓ કામ ઓછું કરે છે અને ગુંડાગર્દી વધારે કરે છે'
ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા કહ્યું કે, 'આમ આદમી પાર્ટી જેમ મજબૂત બની તેમ તેમ હવે હુમલાઓની રાજનીતિ શરૂ થઈ છે. ગતરોજ આમ આદમી પાર્ટીના નેતા જીગીશા પટેલ પર મહિલાઓના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો. ગોંડલ નગરપાલિકાના કેટલાક પ્રશ્નોને લઈને આમ જનતાએ જીગીશાબેન પટેલને વાત કરી કે 'અમારા વિસ્તારમાં આ પ્રશ્નો છે, તો તમે સાંભળવા આવો', ભાજપના નેતાઓ કામ ઓછું કરે છે અને ગુંડાગર્દી વધારે કરે છે, માટે જનતાને તેમના પર વિશ્વાસ નથી. માટે લોકોએ જીગીશાબેનને ત્યાં બોલાવ્યા અને જ્યારે જીગીશાબેન ત્યાં પહોંચ્યા તો ભાજપના ગુંડા જેવા કોર્પોરેટરે મહિલાઓનું ટોળું મોકલીને જીગીશાબેન પર એક કાયરતાપૂર્વક હુમલો કરાવ્યો.'
મુખ્યમંત્રીને રજૂઆત કરીશું: વિસાવદરના ધારાસભ્ય
વધુમાં ધારાસભ્યએ આરોપ કર્યો કે, 'રામાયણમાં જેમ રાવણ સાધુનો વેશ ધારણ કરીને આવતો હતો એમ ભાજપના ગુંડાઓ મહિલાઓને આગળ કરી રહ્યા છે, તો આ જે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે તેનો આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વિરોધ કરે છે. અમે આ બાબતે મુખ્યમંત્રીનું ધ્યાન દોરીશું કે ગુજરાતમાં જે વારંવાર આમ આદમી પાર્ટીના નેતાઓ પર હુમલાઓ થાય છે, એવી યુપી બિહારની રાજનીતિ બંધ કરી દો. હુમલાઓ કરવા, ગાડીના કાચ તોડવા, તલવારો મારવી આ ગુજરાતની સંસ્કૃતિ નથી. આવા હુમલાઓ ફરીથી ન થાય તે માટે આમ આદમી પાર્ટી સડકથી લઈને સદન સુધી વિરોધ કરશે અને જાગૃતિ ફેલાવશે.'
નકલી દૂધમાં માત્ર દેખાડા પૂરતી કામગીરી: ડેડિયાપાડાના ધારાસભ્ય
આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, 'યુવા નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા નકલી દૂધ ડેરીમાં ભરાતું હોવાના પુરાવા, વીડિયો અને તમામ દસ્તાવેજો આપવામાં આવ્યા છે, છતાં તેના પર કાર્યવાહી કરવાની જગ્યાએ માત્ર દેખાવા પૂરતી કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાત સરકારનું પોલીસ તંત્ર પણ આ મામલે યોગ્ય પગલાં લેતું નથી. આ જ રીતે, જીગીશાબેન પટેલને તેમના વિસ્તારના લોકોએ એક સમસ્યા અંગે જાણ કરી હતી. તેમણે સંબંધિત કોર્પોરેટરને ફોન કરીને કહ્યું હતું કે તમારા વિસ્તારમાં આવી સમસ્યા છે, તેનો ઉકેલ લાવો અને તમે પણ સ્થળ પર આવો. પરંતુ આરોપ મુજબ, તે કોર્પોરેટરે અસામાજિક તત્વોને ભેગા કરીને જીગીશાબેન પટેલની ગાડીના કાચ તોડી નાખ્યા અને તેમના પર જીવલેણ હુમલો કર્યો. હાલ તેઓ સારવાર હેઠળ છે, છતાં પણ FIR નોંધવામાં આવી નથી.'









