સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડાટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gandhinagar News: ગાંધીનગરના મગોડી લાટ વિસ્તારમાં આજે પીવાના પાણીની ટાંકીમાંથી મૃત અને જીવતા સાપ મળી આવતા પંથકમાં એરેરાટી ફેલાઈ છે. પાણીમાં અચાનક દુર્ગંધ આવવાને કારણે ગ્રામજનો તપાસ કરવા પહોંચ્યા હતા ત્યારે ઓવર હેડ પાણીની ટાંકી સરિસૃપોનો અડ્ડો બની ગઈ હોવાનું ખૂલ્યું હતું. ગામના અંદાજે 900 લોકો આ પાણીની ટાંકીમાંથી પીવાનું પાણી મેળવે છે જેથી ડરનો માહોલ ફેલાયો હતો.
શું છે સમગ્ર ઘટના?
મગોડી ગામમાં છેલ્લા કેટલાક સમયથી નળમાં આવતા પાણીમાં વિચિત્ર દુર્ગંધ આવી રહી હતી. આથી ગ્રામજનોએ એકઠા થઈને પાણીની ટાંકીની તપાસ કરવાનું નક્કી કર્યું હતું. ટાંકી પાસે પહોંચીને જ્યારે નીચેનો દરવાજો ખોલવામાં આવ્યો, ત્યારે ત્યાં એક જીવતો સાપ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ જાણ કરતાં તાત્કાલિક ધોરણે વન વિભાગ અને સદ્ભાવના ફાઉન્ડેશનની ટીમને જાણ કરવામાં આવતા તેઓ રેસ્ક્યૂ સામગ્રી સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

રેસ્ક્યૂ ઓપરેશન અને ચોંકાવનારો ખુલાસો
વન વિભાગની ટીમે જ્યારે ટાંકીની ઉપરના ભાગે તપાસ કરી, ત્યારે અંદર એક 'ધામણ' જાતિનો સાપ મૃત હાલતમાં મળી આવ્યો હતો. જે અતિશય કોહવાયેલી હાલતમાં હોવાથી ટાંકીમાંથી દુર્ગંધ આવતી હતી. ટાંકીમાં મૃત સાપ મળ્યો હોવાથી ગ્રામજનોમાં ભય અને ફફડાટ ફેલાયો હતો. જો કે આ સાપ બિનઝેરી હોવાનું જણાવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. તપાસ અહીં પૂરી થઈ ન હતી, ટાંકીની અંદરના ભાગમાં વધુ તપાસ કરતા અન્ય 5 જીવતા સાપ અને 3 પાટલા ઘો મળી આવી હતી. જે બાદ કુલ 8 જીવોનું સુરક્ષિત રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં વીજળીના કડાકા સાથે માવઠું પડશે?
જવાબદાર કોણ?
આ ઘટના બાદ ગ્રામજનોએ વન વિભાગ અને સદ્ભાવના ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો. ઘટનાની ગંભીરતા જોઈને તાત્કાલિક આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. આરોગ્ય ટીમ દ્વારા પાણીના નમૂના લઈ ટાંકીના શુદ્ધિકરણની અને આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં ગ્રામજનો પંચાયત અને જવાબદાર તંત્ર સામે યોગ્ય એક્શન તેમજ પાઈપ લાઈન રિપેરિંગની માગ કરી રહ્યા છે.








