New Mental Health Policy: ગુજરાતમાં સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની આત્મહત્યા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોઈ ભણવાના ભયમાં તો કોઈ વિદ્યાર્થીઓ અન્ય અને અંગત કારણોસર અંતિમ પગલું ભરી રહ્યા છે ત્યારે હવે ગુજરાત સરકાર ગંભીર બની છે અને રાજ્યની તમામ યુનિવર્સિટીઓ, શાળા, કોલેજો અને ખાનગી કોચિંગ સંસ્થાઓ માટે કડક ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. હવે દરેક સંસ્થામાં મેન્ટલ હેલ્થ પોલિસીનો અમલ કરવો ફરજિયાત છે.
શાળા, કોલેજો માટે શું ગાઈડલાઇન?
- કોલેજ અને યુનિવર્સિટીમાં પ્રતિ 100 વિદ્યાર્થીએ ઓછામાં ઓછો એક લાયક કાઉન્સેલર રાખવો પડશે
- બાહ્ય માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો સાથે ઔપચારિક રેફરલ વ્યવસ્થા કરવી પડશે (100થી ઓછા વિદ્યાર્થીઓ હોય ત્યારે)
- અભ્યાસક્રમમાં ફેરફાર થાય તો જરૂરી માર્ગદર્શન આપવું પડશે.
- શૈક્ષણિક દબાણના સમયગાળામાં વિદ્યાર્થીઓને સતત, ગુપ્ત અને સંવેદનશીલ માર્ગદર્શન પૂરું પાડવું પડશે
- શિક્ષક તથા બિન-શિક્ષક સ્ટાફને વર્ષમાં ઓછામાં ઓછા બે વખત માનસિક સ્વાસ્થ્યના લક્ષણોની ઓળખ માટે તાલીમ આપવી પડશે
ખાનગી કોચિંગ સંસ્થાઓ માટે કડક ગાઈડલાઇન
- કોચિંગ સંસ્થાઓએ માનસિક તણાવ વધારતી પ્રથા બંધ કરવી પડશે
- હવે કોઈપણ વિદ્યાર્થીને શૈક્ષણિક પરફોર્મન્સના આધારે અલગ પાડી નહીં શકાય
- જાહેરમાં અપમાનિત કરવા કે અવાસ્તવિક અપેક્ષાઓ મૂકવા પર પ્રતિબંધ
નવી ગાઈડલાઇનમાં અન્ય કયા આદેશો?
- તમામ સંસ્થાઓએ આત્મહત્યા નિવારણ માટે તાત્કાલિક રેફરલ પ્રોટોકોલ તૈયાર કરવો પડશે
- જેમાં માનસિક આરોગ્ય સેવાઓ, નજીકની હોસ્પિટલ, હેલ્પલાઈન નંબર, વર્ગખંડ, કેમ્પસના સામાન્ય વિસ્તારો અને સંસ્થાની વેબસાઇટ પર દર્શાવવા પડશે
- રેગિંગ, ગુંડાગીરી, જાતીય સતામણી કે ભેદભાવ અંગે ગુપ્ત ફરિયાદ વ્યવસ્થા ઊભી કરી તાત્કાલિક એક્શન લેવા પડશે
- છાત્રાલયોમાં સલામતી વધારવા પર ભાર મુકવો પડશે, પંખા, બાલ્કની અને જોખમી લાગતી જગ્યાઓમાં નિયંત્રણ માટે નિવારક પગલાં લેવાના રહેશે
આ સાથે શિક્ષણ વિભાગે આદેશ આપ્યો છે કે માનસિક સ્વાસ્થ્ય સંબંધિત કામગીરી અંગે વાર્ષિક અહેવાલ દરેક સંસ્થાએ ફરજિયાત રજૂ કરવો પડશે, અને ઉપરોક્ત તમામ નવી ગાઈડલાઇનનું કડકપણે અમલ કરવો પડશે. મહત્વનું છે કે NCRB (નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો)ના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં 2017થી 2021 દરમિયાન કુલ 3,002 વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું હતું. બીજી બાજુ ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે એપ્રિલ, 2020થી માર્ચ, 2023 સુધીના માત્ર ત્રણ વર્ષમાં 495 વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી.





