Gandhinagar News: ઈન્દોરમાં દૂષિત પાણી પીવાના કારણે મોતનું તાંડવ શરૂ જ છે. તેવામાં પાટનગર ગાંધીનગરમાં પણ દૂષિત પાણીના કારણે ટાઇફોઇડના કેસોમાં મોટો વધારો થયો છે. 100થી વધુ બાળકો સાથે અનેક લોકો હોસ્પિટલની પથારીમાં દર્દ સાથે લડી રહ્યા છે. વિકાસની વાતો વચ્ચે કરોડોના ખર્ચે નાખવામાં આવેલી નવી પાઈપલાઈનોમાં ગટરનું પાણી ભળી જતાં આ સ્થિતિ સર્જાઈ છે. જેમાં ખાસ કરીને સેક્ટર-24, 28 અને આદિવાડા વિસ્તાર રોગચાળાની ચપેટમાં આવી ગયો છે.
40 ટીમો દ્વારા તપાસ
પાટનગરમાં અત્યારે સ્થિતિ એટલી ગંભીર બની છે કે સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક નવો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને આશાબહેનો સહિત 80થી વધુ સ્ટાફની 40 ટીમોને ઉતારી દેવામાં આવી છે જેમને હાલ સુધીમાં અંદાજિત 38 હજારથી વધુ લોકોને સાંકળી લેતા 10 હજાર રહેણાંક મકાનોમાં તપાસ કરી છે. ગાંધીનગરમાં ટાઈફોઈડ કેસોમાં જંગી ઉછાળો આવતા આરોગ્ય વિભાગ સતર્ક થયું છે પણ જો તકેદારી ન રાખવામાં આવે દૂષિત પાણીના કારણે હજુ પણ અનેક લોકો લપેટમાં આવી શકે છે.
ઘોડા છૂટયા પછી તબેલે તાળાં
ગાંધીનગરમાં સ્માર્ટ સિટી યોજના હેઠળ કરોડોના ખર્ચે નવી પાઈપલાઈનો નાખવામાં આવી છે, જેમાં 10 જગ્યાએ નાનું મોટું ભંગાણ કે લીકેજ સામે આવ્યું છે. વારંવાર તેમાં લીકેજના કારણે પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભળી જાય છે. તેની અનેક વખત ફરિયાદો પણ ઉઠી છે પણ નઠારું તંત્ર દર વખતની જેમ આ વખતે પણ કપરી સ્થિતિ થાય તેની રાહ જોઈ રહ્યું હતું. જેના કારણે 100થી બાળકો અને ઢગલાબંધ લોકોનું આરોગ્ય જોખમાયું છે. હાલ ઘોડા છૂટયા પછી તબેલે તાળાં મારવાની જેમ પાણીના જોડાણોમાં તપાસ કરતા 10 નાના-મોટા લીકેજ મળી આવ્યા હતા, જેનું તાત્કાલિક રિપેરિંગ કરાયું છે. અને પીડિત વિસ્તારમાં ક્લોરીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
કોન્ટ્રાકટર અને એજન્સીઓ સામે કડક પગલાં લેવા માંગ
સ્માર્ટ સિટી યોજના અંતર્ગત ગાંધીનગર શહેરમાં નાગરિકોને 24 કલાક પાણી વિતરણ સુવિધા આપવા માટે કરોડો રૂપિયાનાં ખર્ચે પાણીની લાઈનો તથા ગટરોની લાઈનો બદલવામાં આવી છે અને પાણી વિતરણ ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ આ પાણી વિતરણ દરમિયાન નવા તથા જુના સેક્ટરોમાં અવારનવાર પાણીની લાઈનો તૂટી જાય છે. જેના કારણે ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સ થતું હોવાથી નાગરિકોને દુષિત, ગંદું અને પીવા અયોગ્ય પાણી મળતું રહે છે. આ પરિસ્થિતિના કારણે નાગરિકોને પાણીજન્ય રોગચાળાનો ભોગ બનવું પડે છે. સ્માર્ટ સિટી અંતર્ગત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી 24 કલાક પાણી વિતરણ વ્યવસ્થા સામે, તેમજ હલકી ગુણવત્તાવાળી પાઇપલાઈનો અને કોન્ટ્રાકટર એજન્સીઓની બેદરકારીપૂર્વકની કામગીરી અંગે તપાસ કરવાની માંગ સાથે સરકારમાં તથા સંબંધિત વિભાગોના અધિકારીઓને લેખિત આવેદનપત્રો પાઠવવામાં આવ્યા છે.
'પાણી પીવા લાયક નથી'
રેપિડ રિસ્પોન્સ ટીમ (RRT)ની તપાસમાં ખૂલ્યું છે કે જ્યાંથી કેસ આવ્યા તે વિસ્તારોના પીવાના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં તે પાણી પીવાલાયક ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. જે લોકો બીમાર પડ્યા તેમના વિડાલ ટેસ્ટ અને બ્લડ કલ્ચર રિપોર્ટમાં ટાઇફોઇડના બેક્ટેરિયા જોવા મળ્યા તે દૂષિત પાણીના લીધે શરીરમાં પ્રવેશ્યા છે.
પોઝિટિવ કેસોમાં દરમાં 50 ટકાનો વધારો
ગાંધીનગર સિવિલ તંત્રના જણાવ્યા મુજબ 'હાલ 1થી 16 વર્ષની વયના બાળકો સૌથી વધુ આ રોગચાળાના ભરડામાં આવી ગયા છે, જેમાં 104 બાળકો F2 અને E2 વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં પોઝિટિવ કેસોનાદરમાં 50 ટકાનો વધારો થયો છે. તાત્કાલિક સારવાર મળે તે માટે નવો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે'. જો કે તંત્ર દ્વારા અત્યારસુધીમાં કુલ 67 શંકાસ્પદ કેસો નોંધાયા હોવાનો ગઈકાલે (2 જાન્યુઆરી)એ દાવો કરાયો હતો, 42 દર્દીઓ સિવિલમાં અને બાકીના દર્દીઓ આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ છે.
લક્ષણો શું?
-હાઈ ગ્રેડ ફીવર
-પેટમાં દુખાવો
-ઊલટી
પાણી ઉકાળીને પીવા અપીલ
લોકોને પાણી ઉકાળીને પીવા અને ખોરાકમાં સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. રોગચાળાને અટકાવવા માટે 20 હજાર ક્લોરીન ટેબલેટ, 5 હજાર ORS પેકેટ અને 10 હજાર જનજાગૃતિ પત્રિકાઓ વહેંચવામાં આવી છે. 20 ડોકટરોની એક અલગ ટીમ ઉતારી દેવામાં આવી છે.
આંદોલનની ચીમકી
બીજી તરફ વકરતા રોગચાળાને જોતાં ગાંધીનગર શહેર વસાહત મહાસંઘે ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર દ્વારા આ ગંભીર પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ તેમજ દોષિત એજન્સીઓ સામે કોઈ પગલાં નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર જનઆંદોલન કરશે.


