Gandhinagar News: ગુજરાતમાં હાલ મતદાર યાદીના ખાસ સુધારણા કાર્યક્રમ એટલે કે SIR (Special Interactive Revision)ની પ્રક્રિયા ચાલી રહી છે. ડ્રાફ્ટ યાદી જાહેર થયા બાદ જે રીતે હજારો નામો કમી થયા છે, તેને લઈને કોંગ્રેસ આક્રમક મૂડમાં છે અને રાજ્યભરમાં 'ગોલમાલ'ના આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ ગરમાગરમ માહોલ વચ્ચે વર્ષ 2002ની SIR પ્રક્રિયાના ચોંકાવનારા આંકડા એક RTI (માહિતી અધિકાર) દ્વારા સામે આવ્યા છે, જે વર્તમાન સ્થિતિ સાથે મોટો તફાવત દર્શાવે છે.
2002નું ગણિત: કમી ઓછા થયા, ઉમેરો બમણો થયો
RTIમાં મળેલી વિગતો મુજબ, 2001-02માં ચાલેલી SIR પ્રક્રિયા લગભગ 7 મહિના સુધી ચાલી હતી. તે સમયે વહીવટી તંત્રનો અભિગમ વધુમાં વધુ મતદારોને જોડવાનો હતો.
-કુલ ઉમેરાયેલા નામ: 1,19,366
-કમી થયેલા નામ: 60,494
-નેટ વધારો: 58,872મતદારો (0.19 ટકા)
રસપ્રદ વાત એ છે કે, તે સમયે જેટલા નામ કમી થયા તેના કરતા બમણા નામ નવા ઉમેરાયા હતા. જે સૂચવે છે કે તે સમયે સિસ્ટમ મતદારોને શોધવા માટે સક્રિય હતી.
કયા જિલ્લામાં કેટલી વધ-ઘટ થઈ? (2002ના આંકડા)
વિગત પ્રથમ ક્રમ બીજો ક્રમ ત્રીજો ક્રમ
સૌથી વધુ ઉમેરો: અમદાવાદ (31,540), સુરત (10,447), ભરૂચ (6,888)
સૌથી વધુ કમી: અમદાવાદ (20,682), રાજકોટ (7,025), કચ્છ (5,519)
ત્યારે અને અત્યારે: પ્રક્રિયામાં શું છે તફાવત?
વર્ષ 2002માં જેમના નામ નીકળી ગયા હતા પણ જેમની પાસે EPIC કાર્ડ (ચૂંટણી કાર્ડ) હતું, તેમને એન્યુમરેટર દ્વારા ઘરે જઈને ઉમેરવામાં આવ્યા હતા. હંગામી વસાહતો અને નવા વસવાટો શોધીને પણ નામ ઉમેરાયા હતા.
વર્તમાન વિવાદનું કારણ: હાલની પ્રક્રિયામાં મુખ્ય વિવાદ "Shifted" (સ્થળાંતરિત) મતદારોનો છે. 2002માં સ્થળાંતર કરીને આવેલા લોકોના નામ તે જ સમયે જે-તે પાર્ટમાં ઉમેરવાની જોગવાઈ હતી. જ્યારે અત્યારે કોંગ્રેસનો આક્ષેપ છે કે, 'શિફ્ટ' થયેલા મતદારોના નામ જૂની યાદીમાંથી કાઢી નાખવામાં આવે છે, પરંતુ નવી જગ્યાએ તેમના નામ ઉમેરવાની સરળ વ્યવસ્થાનો અભાવ છે, જેના કારણે લાખો મતદારો મતાધિકારથી વંચિત રહી શકે છે.
'ગોલમાલ'ની ચર્ચા
હાલ ગુજરાતના રાજકારણમાં પણ SIR ની યાદી એવી બની છે કે જેમાં 'નામ છે પણ દેખાતું નથી, અને જે દેખાય છે તેનું સરનામું નથી!' કોંગ્રેસ જિલ્લા કલેક્ટરોને આવેદન આપી રહી છે કે આ પ્રક્રિયામાં પારદર્શકતા લાવવામાં આવે. કોંગ્રેસનો સવાલ છે કે, "જો 2002માં ઘરે જઈને નામ ઉમેરી શકાતા હોય, તો અત્યારે ડિજિટલ યુગમાં મતદારોના નામ કમી કેમ થઈ રહ્યા છે?"
10 લાખ મતદારોના નામ મતદાર યાદી કમી કરવાનું કાવતરું: વિપક્ષ
રાજ્યમાં ફાઈનલ મતદાર યાદી જાહેર થાય તે પહેલાં રાજ્ય ચૂંટણીપંચ શંકાના ઘેરામાં આવ્યુ છે. વિપક્ષોએ હંગામો મચાવી એવો આક્ષેપ કર્યો છે કે, ફોર્મ-7નો દૂરપયોગ કરી ગુજરાતમાં 10 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવાનું સુવ્યવસ્થિત ષડયંત્ર રચાયુ છે ત્યારે રાજ્ય ચૂંટણીપંચ મૌન ધારણ કરીને બેઠું છે. કોંગ્રેસ-આપ સમગ્ર મુદ્દે ચૂંટણી પંચ સામે બાયો ચઢાવી છે. રાજ્યભરમાં કલેક્ટર કચેરીનો ઘેરાવથી માંડીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે. ઉલ્લેખનીય છે કે મતદાર યાદી સુધારણા એસઆઇઆર અંગેઅંગે બીએલઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારબાદ જેમના નામ મતદાર યાદીમાં ન હોય એ માટે ફોર્મ નં.7 નામ કમી થયા બાબતે ભરવામાં આવે છે.
પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ કાઢી નાખવા ફોર્મ 7 ભરાયું
ચોટીલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પુરાવા સાથે દાવો કર્યો છે કે, 'SIRની કામગીરીના બહાને વિરોધ પક્ષના સમર્થકો અથવા તટસ્થ લોકોના નામ મતદાર યાદીમાંથી જાણીજોઈને કમી કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. પદ્મશ્રીનું નામ નિશાના પર: શાહબુદ્દીન રાઠોડ જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિનું નામ રદ કરવા માટે ફોર્મ ભરાવું તે વહીવટી તંત્ર અને ભાજપની આયોજનબદ્ધ બેદરકારી અથવા કુચેષ્ટા દર્શાવે છે. જો પદ્મશ્રી એવોર્ડ વિજેતા સુરક્ષિત ન હોય, તો સામાન્ય નાગરિકોના મત આપવાના અધિકારનું શું થશે તેવો પ્રશ્ન તેમણે ઊઠાવ્યો છે.'
ફોર્મ નંબર 07 અને વિવાદ
ચૂંટણી પંચના નિયમ મુજબ, ફોર્મ નંબર 07 કોઈ વ્યક્તિનું નામ યાદીમાંથી રદ કરવા અથવા વાંધો ઉઠાવવા માટે ભરવામાં આવે છે. ઋત્વિક મકવાણાના મતે, આ ફોર્મ કોઈના ઇશારે ભરીને પાયા વગરના કારણોસર નામો કમી કરવામાં આવી રહ્યા છે. તેમણે આ બાબતને લોકશાહીની ગરિમા વિરુદ્ધની ગણાવી છે. આ આક્ષેપો બાદ સ્થાનિક ચૂંટણી તંત્ર અને કલેક્ટર કચેરીની ભૂમિકા સામે પણ આંગળી ચીંધવામાં આવી રહી છે. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો આ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવામાં નહીં આવે અને ગેરરીતિઓ બંધ નહીં થાય, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.


