Get The App

ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનનું વર્ષ ૨૦૨૫ -૨૦૨૬નું ડ્રાફ્ટ બજેટ ગુરૃવારે રજૂ થશે

Updated: Jan 20th, 2025

GS TEAM


Google News
Google News
ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનનું વર્ષ ૨૦૨૫ -૨૦૨૬નું ડ્રાફ્ટ બજેટ ગુરૃવારે રજૂ થશે 1 - image


૧૪૦૦થી ૧૫૦૦ કરોડ વચ્ચે રહેવાનો અંદાજ

કમિશનર સ્થાયી સમિતિને બજેટ સુપ્રત કરશે ઃ નવા ઉમેરાયેલા ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ કામોને પ્રાધાન્ય આપવામાં આવશે

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૫- ૨૬નું ડ્રાફ્ટ બજેટ તૈયાર કરવા માટે ધમધમાટ ચાલી રહ્યો છે અને આગામી ગુરુવારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થાયી સમિતિની બેઠકમાં આ બજેટને રજૂ કરવામાં આવશે. ડ્રાફ્ટ બજેટમાં ગાંધીનગર શહેરની સાથે નવા ઉમેરાયેલા ગ્રામ્ય વિસ્તારના વિકાસ કામોને પ્રાધાન્ય આપવામાં આવશે. એટલું જ નહીં નવા કરવેરા પણ હાલના તબક્કે લાવવામાં નહીં આવે તેવી પણ ચર્ચા ચાલી રહી છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની નવી ટર્મનું ચોથું જું અને હાલના મ્યુનિસિપલ કમિશનર જે. એન. વાઘેલાનું બીજું બજેટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિવિધ વિભાગો સાથે આ મામલે ચર્ચા કરીને ડ્રાફ્ટ બજેટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. વર્ષ ૨૦૨૫- ૨૬નું આ ડ્રાફ્ટ બજેટ ગત વર્ષ કરતા ૧૦ થી ૧૫ ટકા જેટલું મોટું હોવાનો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે. ગાંધીનગર શહેરની સાથે નવા ઉમેરાયેલા વિસ્તારમાંથી પણ અલગ અલગ વેરા વસુલવામાં આવી રહ્યા છે. જેના થકી કોર્પોરેશનની આવક વધી છે અને તેના કારણે કોર્પોરેશનનું આ વખતનું ડ્રાફ્ટ બજેટ ૧૪૦૦ થી ૧૫૦૦ કરોડ સુધીનો રહેવાનો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં ગાંધીનગર શહેર ઉપરાંત નવા ઉમેરાયેલા ગ્રામ્ય વિસ્તારોના વિવિધ કામોને પ્રાધાન્ય આપવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા આગામી ગુરુવારે ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસની અધ્યક્ષતામાં મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ સ્થાયી સમિતિ દ્વારા તેમાં સુધારા વધારા કરવામાં આવશે. આ માટે કોર્પોરેટરોના સૂચનો પણ મેળવાશે અને ત્યારબાદ બજેટને મંજૂરી અર્થે સામાન્ય સભામાં મોકલવામાં આવશે. કોર્પોરેશન દ્વારા બજેટમાં કોઈ નવા કરવેરા લાગુ કરવામાં આવે તેવું હાલના તબક્કે જાણવા મળી રહ્યું છે ત્યારે વર્ષ ૨૦૨૫- ૨૬ના ડ્રાફ્ટ બજેટ માટે હવે કોર્પોરેશનમાં છેલ્લી ઘડીની તૈયારીઓ ચાલી રહી છે. નોંધવું રહેશે કે આ વર્ષે કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કરતા પહેલા નાગરિકોના સૂચન પણ મંગાવવામાં આવ્યા હતા જેનો સમાવેશ આ બજેટમાં કરવામાં આવશે.

Tags :