Get The App

ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગ : 14 સિનિયર વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાઢી મૂકાયા

Updated: Nov 23rd, 2025

GS TEAM

Google News
Google News
ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગ : 14 સિનિયર વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાઢી મૂકાયા 1 - image
AI IMAGE

Gandhinagar Medical college ragging case: રાજ્યના પાટનગર ગાંધીનગર મેડિકલ કોલેજમાં ફરી રેગીંગની ઘટના ચર્ચાનો વિષય બની છે. જેમાં નવા આવેલા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં ઇન્ટ્રોડક્શનના નામે મશ્કરી અને અપમાનિત કરવામાં આવ્યા હોવાની લેખિત ફરિયાદ થયા બાદ તપાસ કરવામાં આવતા આ રેગીંગની ઘટના સામે આવી હતી. આ રેગીંગ માટે જવાબદાર સેકન્ડ અને થર્ડ યરના 14 જેટલા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી રસ્ટીગેટ કરી દેવામાં આવ્યા છે. 

સિનિયર્સ દ્વારા પરિચયના નામે મશ્કરી કરવામાં આવતી હોવાની ફરિયાદ

ગાંધીનગર મેડિકલ કોલેજમાં ફરી રેગીંગની ઘટના સામે આવી છે. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પુર્ણ થઇ ગઇ છે અને વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં રહેવાનું તથા કોલેજમાં નવા વર્ષનો અભ્યાસક્રમ પણ શરૂ કરી દીધો છે. 

ત્યારે બોયઝ હોસ્ટેલમાં સેકન્ડ અને થર્ડ ઇયરના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા બિનસત્તાવાર રીતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો ઇન્ટ્રોડક્શન માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવીને તેમના પરિચયની સામે તેમની હસીમજાક કરવામાં આવતી હતી. વિદ્યાર્થીઓને અપમાનિત પણ કરવામાં આવતા હતા જે અંગે પ્રથમ વર્ષ એમબીબીએસના કેટલાક વિદ્યાર્થીઓએ મેડિકલ કોલેજના સત્તાધીશોને લેખિતમાં ફરિયાદ કરી હતી. જેના પગલે પુછપરછ અને તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. 

આખરે સેકન્ડ અને થર્ડ યરના 14 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું સામે આવતા તેમના વાલીઓને બોલાવવામાં આવ્યા હતા. તેમનો અભ્યાસ બગડે નહીં તેનું ઘ્યાન રાખીને આ તમામ 14 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી છ મહિનાથી લઇને બે વર્ષ સુધી રસ્ટીગેટ કરી દેવામાં આવ્યા છે. 

સ્થાનિક તંત્ર દ્વારા વિદ્યાર્થીઓનો આંતરિક મામલો હતો અને નાની માથાકુટ હતી તેમ કહીને આ ઘટના પર પડદો પાડવાના પ્રયાસ થઇ રહ્યા છે પરંતુ અન્ય વિદ્યાર્થીઓ સાથે આવું ન બને તે માટે તમામે જાગૃત થવાની જરૂર હોવાનું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે.