ગાંધીનગર ઉપવાસ છાવણી પોલીસ છાવણીમાં ફેરવાયું
- 300થી વધુ જવાનો ખડકી દેવાયા
ગાંધીનગર, તા. 06 જુલાઈ 2020 સોમવાર
રાજ્યમાં આંદોલન શરૂ થવાના ભણકારા વાગી રહ્યાં છે. આજે ગાંધીનગરમાં શિક્ષિત બેરોજગાર યુવાનો એકત્ર થાય તેવી શક્યતાઓ છે. રાજ્યમાં સરકારી નોકરીમાં ભરતી, નિમણૂક પત્ર આપવા સહિતના મુદ્દે મોટી સંખ્યામાં ગાંધીનગરમાં શિક્ષિત બેરોજગારો ભેગા થઈ શકે છે.
બેરોજગાર યુવાનો મોટી સંખ્યામાં આજે ઉપવાસ છાવણી કે ગાંધીનગરમાં ઉમટી પડશે તેવી દહેશતના પગલે સમગ્ર ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. એસઆરપીની એક ટુકડી સહિત મહેસાણાથી પણ પોલીસને બોલાવવામાં આવી છે.
શિક્ષિત બેરોજગારોના સંભવિત આંદોલનને લઈને રાજ્ય સરકારની પણ ચિંતા વધી ગઈ છે. મોટી સંખ્યામાં ઉમેદવારો ભેગા થવાની શક્યતાને જોઈને એક SRPFન કંપની બંદોબસ્ત માટે ફાળવી દેવામાં આવી છે. જવાનોએ સત્યાગ્રહ છાવણી ખાતે રિહર્સલ પણ કર્યું છે.
1500થી વધુ પોલીસ જવાનો બંદોબસ્ત ગાંધીનગરમાં ખડકી દેવામાં આવ્યા છે. એસપી, ડીવાયએપસી, પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ પણ બંદોબસ્તમાં જોડાયા છે. ગાંધીનગર પ્રવેશતા માર્ગો પર બેરીકેટિંગ કરી દેવામાં આવ્યા છે. જે પણ વાહન શહેરમાં પ્રવેશે તો તેની તપાસ કરવામાં આવી રહી છે.
ગુજરાતના પ્રાથમિક શિક્ષકો વિરોધ કરી રહ્યા છે. તેમના હક અને અધિકારો માટે લડી રહ્યાં છે. જે શિક્ષકોની ભરતી 2010માં થઇ છે. તેમને મળવા પાત્ર 4200 ગ્રેડ ઘટાડી 2800 કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં આવા 65000 શિક્ષકો છે. જેમને દર મહિને 10 હજાર રૂપિયાનું નુકશાન થઈ રહ્યું છે અને તેમની માગણી છેકે તેમને પૂરો ગ્રેડ પે ચુકવવામાં આવે. જો સરકાર તેમની માંગણી પૂર્ણ નહિ કરે તો સમગ્ર રાજ્યમાં શિક્ષકો ઉગ્ર વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.