Get The App

ગાંધીનગર જિલ્લા પંચાયત દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટની તૈયારીઓ શરૃ

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
ગાંધીનગર જિલ્લા પંચાયત દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટની તૈયારીઓ શરૃ 1 - image

વિધાનસભાના બજેટ સત્રની જાહેરાતના પગલે

તમામ શાખાઓ આવક અને જાવકના અંદાજો આખરી કરવામાં વ્યસ્ત ઃ બજેટના કદમાં ૧૦ ટકાનો વધારો શક્ય

ગાંધીનગર :  વિધાનસભામાં આગામી તારીખ ૧૬મીથી બજેટ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેના પગલે ગાંધીનગર જિલ્લા પંચાયતમાં પણ વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટની તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૃ કરવામાં આવ્યું છે. નવા વર્ષના બજેટના કદમાં ૧૦ ટકા જેવો વધારો થવાની શક્યતા પણ જોવામાં આવી રહી છે. આ સાથે વડી કચેરીની તમામ શાખાઓ દ્વારા આવક અને જાવકના અંદાજો તૈયાર કરવામાં વ્યસ્ત બની છે.

જિલ્લા પંચાયતના અધિકારીઓ અને પદ્દાધિકારીઓ બજેટની તૈયારીમાં લાગી ગયા છે. કેમ, કે રાજ્ય સરકારના બજેટ દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ પોતાનું બજેટ રજૂ કરવાનું હોય છે. તેના માટે સંબંધિત તમામ શાખાઓને આવક અને જાવકના અંદાજને આખરી કરવા જણાવાયું છે. સામાન્ય સભા બોલાવીને બજેટ પસાર કરવા માટે જરૃરી તૈયારીઓ શરૃ કરી દેવાઇ છે. બજેટમાં અગાઉ સુચવાયેલા કામોમાં સુધારા, વધારા અને ફેરફારની બાબતો પણ મુકવામાં આવશે અને સ્વભંડાળના કામોનો સમાવેશ પણ કરાશે. સાથે પદ્દાધિકારી પાંખ દ્વારા સુચવવામાં આવે તે બાબતો તેમાં સમાવવામાં આવશે. નોંધવું રહેશે, કે અગાઉના વર્ષોના બજેટમાં કરવામાં આવેલી જોગવાઇઓના એવા કામ પણ છે, જે હજુ સુધી હાથ ધરાયાં નથી. ઉપરાંત જિલ્લા પંચાયતની જુદી જુદી સમિતિઓની કાર્યવાહીની નોંધ પણ અવલોકનમાં લેવા અને તેને મંજુર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. ઉલ્લેખનિય રહેશે કે ગત વર્ષના જિલ્લા પંચાયતના બજેટમાં ૧૦ ટકા જેટલો વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન એવા કામ કે જે હાથ ધરી શકાય તેવા ન હોય તેવા કામ નવા વર્ષના બજેટમાં આવી ન જાય તેની પણ તકેદારી રાખવામાં આવશે.