Gujarat

ગાંધીનગર જિલ્લા પંચાયત અને ત્રણ તા.પં.ની 26મીએ ચૂંટણી

By GS TEAM
1 Apr 20263 mins read
ગાંધીનગર જિલ્લા પંચાયત અને ત્રણ તા.પં.ની 26મીએ ચૂંટણી

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમા ચૂંટણીના ઢોલ વાગ્યા : માણસા-કલોલ અને દહેગામ તાલુકામાં રાજકારણ ગરમાવ્યું

ગાંધીનગર જિલ્લા પંચાયતની 28 બેઠકો, કલોલની 22, દહેગામની 28 તથા માણસાની 26 સીટ માટે ચૂંટણી : છઠ્ઠી જાહેરનામું,28મીએ મતગણતરી

ગાંધીનગર: રાજ્ય ચૂંટણી આયોગ્ય સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરી દીધી છે જેના પગલે રાજકીય પાર્ટીઓમાં ઘરમાંઓ આવી ગયો છે સાથે સાથે વહીવટી તંત્ર અને ચૂંટણી અધિકારી કર્મચારીઓ પણ કામે લાગી ગયા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ટાઈમ ટેબલ ઉપર નજર કરીએ તો આગામી તારીખ ૬ એપ્રિલના રોજ જાહેરનામું બહાર પડશે અને તેની સાથે જ ઉમેદવારી પત્રો ભરાવાનું પણ શરૂ થશે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૧૧મી રાખવામાં આવી છે ત્યારબાદ ૧૫ મી સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે તો તારીખ ૨૬ એપ્રિલને રવિવારના રોજ સવારે સાતથી સાંજના છ કલાક સુધી મતદાન પ્રક્રિયા અને તારીખ ૨૮ મતગણતરી કરાશે. ગાંધીનગર જિલ્લા પંચાયત ઉપરાંત કલોલ દહેગામ અને માણસા તાલુકા પંચાયતની ચૂંટણી પણ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની સાથે સાથે યોજાવવાની છે.

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે રાજ્યની ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત તથા ૨૬૦ જેટલી તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી તથા ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણીઓની જાહેરાત કરી છે જેના ભાગરૂપે ગાંધીનગર જિલ્લા પંચાયત સહિત કલોલ,માણસા અને દહેગામ તાલુકા પંચાયત ઉપરાંત દહેગામ અને કલોલ નગરપાલિકાની ચૂંટણીઓ પણ યોજાશે. ગાંધીનગર જિલ્લા પંચાયતની ૨૮ બેઠકો ઉપર ચૂંટણી જંગ ખેલાવવાનો છે જ્યારે કલોલ તાલુકા પંચાયતની ૨૨ દહેગામ તાલુકા પંચાયતની ૨૮ તથા માણસા તાલુકા પંચાયતની ૨૬ બેઠકો ઉપર ચૂંટણી લડશે. ચૂંટણીની જાહેરાત થવાની સાથે જ રાજકીય પક્ષોમાં હલચલ તેજ થઈ ગઈ છે તો બીજી બાજુ ગાંધીનગર જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા પણ તૈયારીઓ વધારી દેવામાં આવી છે અત્યાર સુધી મતદાર યાદી, મતદાન મથકો, ઇવીએમ યુનિટ, નોડેલ અધિકારી અને સમિતિઓ બનાવવાની સાથે સાથે હવે કર્મચારીઓની નિમણૂક અને તાલીમનો ધમધમાટ શરૂ થશે.

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે જાહેર કરવામાં આવેલી ચૂંટણીની તારીખો પ્રમાણે આગામી તારીખ ૬ એપ્રિલને સોમવારે જે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના ચૂંટણી અધિકારી દ્વારા વિધિવત રીતે જાહેરનામું બહાર પાડવામાં આવશે જેની સાથે જ ઉમેદવારી પત્ર ભરવાનો સિલસિલો શરૂ થશે જે તારીખ ૧૧ને શનિવાર સુધી ચાલશે. તારીખ ૧૩ને સોમવારના રોજ ઉમેદવારી પત્રો ચકાસવામાં આવશે તો તારીખ ૧૫ એપ્રિલ સુધી ઉમેદવારી પરત ખેંચવવાનો છેલ્લો દિવસ રાખવામાં આવ્યો છે. ત્યારબાદ રવિવારને તારીખ ૨૬ એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.સવારે ૭ થી સાંજે છ કલાક સુધી મતદાન મથકો પર ઇવીએમ મારફતે મતદારો મતદાન કરી શકશે.તો ૨૭મીએ પુનઃ મતદાનના કિસ્સા માટેનો રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.તો તા.૨૮મીએ મતગણતરી હાથ ધરવામાં આવશે.

- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે કોર્પોરેશન અને માણસા શહેર સિવાય જિલ્લામાં આચારસંહિતા અમલી

- સરકારી મિલકતો અને જાહેર સ્થળો પરથી રાજકીય પ્રચારના ચિન્હો હટાવવાની કામગીરી તેજ કરાઈ

ગાંધીનગર : ચૂંટણી પંચની જાહેરાત સાથે જ ગાંધીનગર જિલ્લા પંચાયત ઉપરાંત કલોલ, દહેગામ અને માણસા તાલુકા પંચાયત તેમજ કલોલ અને દહેગામ નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આદર્શ આચારસંહિતા અમલી બની છે. આ જાહેરાત બાદ હવે આ વિસ્તારોમાં કોઈ પણ નવી સરકારી યોજનાઓની જાહેરાત કે લોકાર્પણ થઈ શકશે નહીં.

માત્ર ગાંધીનગર કોર્પોરેશન અને માણસા શહેરના મર્યાદિત વિસ્તારને આ આચારસંહિતામાંથી મુક્તિ મળી છે, જ્યારે બાકીનો ગ્રામ્ય અને શહેરી પટ્ટો હવે ચૂંટણી પંચની સીધી દેખરેખ હેઠળ આવી ગયો છે.આચારસંહિતા લાગુ થતાની સાથે જ સ્થાનિક વહીવટી તંત્ર સક્રિય થયું છે. માર્ગો અને જાહેર ચોકો પર લાગેલા વિવિધ રાજકીય પક્ષોના બોર્ડ, હોડગ્સ, બેનરો અને ધજા-પતાકા ઉતારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, જાહેર દીવાલો કે પાટિયા પર લખેલા પદાધિકારીઓના નામ અને રાજકીય લખાણો પર કૂચડા ફેરવી તેને ભૂંસી નાખવામાં આવી રહ્યા છે. ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. રાજકીય પક્ષોને પણ આચારસંહિતાના ભંગ બદલ કડક કાર્યવાહીની સૂચના આપી દેવામાં આવી છે.