ગાંધીનગર કોર્પોરેશન રાજ્યનું સૌપ્રથમ ગેસ આધારિત એનિમલ ક્રિમેટોરિયમ શરૃ કરશે

સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે
મૃત પશુઓને ખુલ્લામાં દફનાવવા કે દહન કરવાથી ફેલાતી દુર્ગંધ, પ્રદૂષણ અને આરોગ્ય સંબંધિત સમસ્યા અટકશે
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અત્યાર સુધી મૃત પશુઓને
ખુલ્લામાં દફનાવવા કે દહન કરવાથી ફેલાતી દુર્ગંધ, પ્રદૂષણ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ હવે અટકાવી શકાશે.
કોર્પોરેશન ગેસ આધારિત એનિમલ ક્રિમેટોરિયમ શરૃ કરશે જેમાં ગુજરાત ગેસ લિમિટેડ
દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાને સહકાર આપવામાં આવ્યો છે. ગુજરાતમાં સૌપ્રથમ વખત
ગુજરાત ગેસ દ્વારા એનિમલ ક્રિમેટોરિયમ માટે પ્રથમ વર્ષે ૧૦૦ ટકા, બીજા વર્ષે ૭૫
ટકા, ત્રીજા
વર્ષે ૫૦ ટકા અને ચોથા વર્ષે ૨૫ ટકાના દરે ગેસ સપ્લાયનો કુલ ખર્ચ મફત આપવામાં
આવશે. આ સહાય બાદ ગુજરાત ગેસ લિમિટેડ રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને
પણ આવી જ પહેલ માટે સહાય પૂરી પાડશે. આ ક્રિમેટોરિયમની મુખ્ય ખાસિયતોમાં ગેસ પર
આધારિત પ્રદૂષણમુક્ત પ્રક્રિયા,
પ્રાયમરી અને સેકન્ડરી ચેમ્બર દ્વારા સંપૂર્ણ દહન, અને સેન્ટ્રલ
પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમો અનુસાર પ્રદૂષણ નિયંત્રણ સુવિધાનો સમાવેશ કરવામાં
આવ્યો છે. જેમાં ૫૦ કિલોથી ૫૦૦ કિલો સુધીના મૃત પશુઓ, નાના
શ્વાન-બિલાડીથી લઈને ગાય-ઘોડા જેવા મોટા પશુઓનો પણ સમાવેશ થાય છે તેમનું દહન શક્ય
છે. એક દહન પ્રક્રિયા પૂર્ણ થવામાં સામાન્ય રીતે ૪૫ મિનિટથી ૨ કલાકનો સમય લાગે છે
અને દહન પછી માત્ર ૫ થી ૧૦ ટકા જેટલી નિષ્ક્રિય રાખ બાકી રહે છે. આ પ્રોજેક્ટથી
માટી અને પાણીનું પ્રદૂષણ અટકશે,
ચેપજન્ય બીમારીઓનું જોખમ ઘટશે અને નાગરિકોને તેમના પાલતુ પ્રાણીઓને
સન્માનપૂર્ણ અંતિમ વિદાય આપવાની તક મળશે.









