Gujarat

કંપનીઓની જાહેર ખબરોના પોસ્ટરો માટે પણ ગાંધીજી હોટ ફેવરિટ હતા

By GS TEAM
1 Oct 20253 mins read
કંપનીઓની જાહેર ખબરોના પોસ્ટરો માટે પણ ગાંધીજી હોટ ફેવરિટ હતા

વડોદરાઃ મહાત્મા ગાંધીજી કરોડો ભારતીયો માટે સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રેરણા સ્ત્રોત હોવાની  સાથે સાથે તે સમયની કંપનીઓની જાહેર ખબરોના પોસ્ટર  માટેનો હોટ ફેવરિટ ચહેરો પણ હતા. આવા પોસ્ટરો વડોદરાના ગાંધી પ્રેમી અતુલ શાહ પાસે છે.

અતુલ શાહ પાસે ગાંધીજીને લગતી વસ્તુઓનો વિશાળ સંગ્રહ છે અને  સતત ૧૭મા વર્ષે તેઓ ૨ ઓકટોબર, ગુરુવારે ગાંધી જયંતી  નિમિત્તે કોઠી ચાર રસ્તા પર પેન પોઈન્ટની ઉપર આવેલા પોતાના ઘરે પ્રદર્શન યોજવાના છે.જેમાં ગાંધીજીને ચમકાવતી જાહેર ખબરો ઉપરાંત પોસ્ટ કાર્ડ, સ્ટેમ્પ સહિતની વસ્તુઓ જોવા મળશે.લોકો માટે આ પ્રદર્શન સવારે ૧૦ થી સાંજે ૭ વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

અતુલભાઈ કહે છે કે,એક જાહેર ખબર ૧૯૪૮-૪૯ની સાલની ચૂહા છાપ ફુલરાણી સેન્ટબત્તીની છે.જેના પર ગાંધીજીનો ચહેરો છે.આ જ રીતે આઝાદી પહેલા ભારતમાં ક્વિટ ઈન્ડિયા મૂવમેન્ટ ચાલતી હતી ત્યારે લાહોરની નેકટરિન ફાર્મસીએ પોતાની ડાયરીના મુખપૃષ્ઠ પર મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નહેરુ અને નેતાજી સુભાષચંદ્ર બોઝને સ્થાન આપ્યું હતું.

૧૯૪૨માં ગાંધીજીના નામે બ્રાહ્મી તેલ પણ વેચાતું હતું.જેનું પોસ્ટર પણ મારી પાસે છે.આ જ રીતે મુંબઈની એક કંપની શુભ પ્રસંગે ભેટ આપવા  માટે ભગવાનની સાથે સાથે ગાંધીજીના ચહેરા દર્શાવતા પંચધાતુના સિક્કાનું વેચાણ કરતી હતી.

મેચ બોક્સ પર આઝાદીની લડતના સંદેશાઓ

આઝાદીની ચળવળ ચાલતી હતી ત્યારે ગુજરાતમાં માચિસ બનાવવાની ઘણી કંપનીઓ કાર્યરત હતી.આઝાદીની લડતનો પ્રચાર પ્રસાર કરવા માટે આ કંપનીઓ મેચ બોક્સ પર આઝાદીની લડતના સંદેશા અને ગાંધીજીના ફોટોગ્રાફ પ્રકાશિત કરતી હતી.આ પ્રકારના મેચબોક્સનો સંગ્રહ પણ પ્રદર્શનમાં જોવા મળશે.

૧૯૩૨નો રેટિંયો અને ચરખો 

ગાંધીજી અને રેટિયો એક બીજાના જાણે પૂરક હતા.સ્વદેશી વસ્તુઓની ઝુંબેશનું રેટિંયો પ્રતિક બની ગયો હતો.૧૯૩૨નો વર્ધાથી મળેલો રેટિંયો તેમજ શુક્રવારી બજારમાંથી મળેલો ચરખો અતુલભાઈ પાસે છે અને આશ્ચર્યવની વાત એ છે કે તે ચાલુ હાલતમાં છે.

બોયકોટ બ્રિટિશ ગૂડસ લખેલા સ્ટિકરો

સ્વદેશી વસ્તુઓની લડત ઉપાડનારા ગાંધીજીથી પ્રેરાઈને ટપાલ ટિકિટના કદ જેટલા બોયકોટ બ્રિટિશ ગૂડસ... લખેલા પોસ્ટરો લોકોએ છાપવા માંડયા હતા.જેના પર ગાંધીજીની તસવીર હતી.ટપાલ ટિકિટ જેવા દેખાતા સ્ટિકરો લોકો ટપાલો  પર ચોટાડીને મોકલતા હતા.જેથી બ્રિટિશ વસ્તુઓના બહિષ્કારનો સંદેશો મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચે.આ અભિયાન એટલું લોકપ્રિય બન્યું હતું કે, ટપાલો પરથી આવા સ્ટિકર હટાવવા માટે બ્રિટિશ સરકારને એક વિભાગ બનાવવો પડયો હતો.

ગાંધીજીના ફોટોગ્રાફ સાથે ૧૯૫૭ની કંકોતરી 

૧૯૫૭માં રાજકોટના ગાંધી પ્રેમી આનંદલાલ વચ્છરાજાનીએ પોતાના પુત્રના લગ્ન નિમિત્તે ગાંધીજીના ફોટોગ્રાફ સાથેની કંકોતરી છપાવી હતી અને લોકોને મોકલી હતી.આવી એક કંકોતરી પણ અતુલભાઈના સંગ્રહમાં મોજૂદ છે.જેમાં ગાંધીજી વર-વધુને આશીર્વાદ આપતા દર્શાવાયા છે.

ગાંધીજીની આત્મકથાને યુધ્ધ આવૃત્તિ નામ અપાયું

અતુલભાઈ પાસે ગાંધીજીને લગતા ૪૦૦ પુસ્તકો છે.જેમાં આઝાદી પહેલા પ્રકાશિત થયેલી ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોનો પણ સમાવેશ થાય છે.જેની એક આવૃત્તિ બીજા વિશ્વયુધ્ધ દરમિયાન પ્રકાશિત થઈ હતી.આ આવૃત્તિને પ્રકાશકે તે સમયે પ્રવર્તતી મોંઘવારીના કારણે યુધ્ધ આવૃત્તિ નામ આપ્યું હતું.અહિંસાના પૂજારાની આત્મકથા યુધ્ધ સાથે સંકળાય તે પણ અજીબો ગરીબ સંયોગ છે.