Get The App

ગાંધીધામ મ.ન.પા. દ્વારા 1 મહિનાના વિરામ બાદ 110 દબાણો હટાવાયાનો દાવો

Updated: Mar 12th, 2025

GS TEAM

Google News
Google News
ગાંધીધામ મ.ન.પા. દ્વારા 1 મહિનાના વિરામ બાદ 110 દબાણો હટાવાયાનો દાવો 1 - image

દબાણ હટાવવાનો બીજો રાઉન્ડ શરૂ 

મોટાભાગના દબાણો તો સ્વેચ્છાએ જ હટાવી લેવાયા, મનપા દ્વારા 20 દુકાનો, 30 શેડ અને 60 ઓટલા તોડી પડાયા 

ગાંધીધામ: ગાંધીધામ મનપા જાહેર થયા બાદ પ્રથમ પ્રાયોરિટીમાં દબાણ હટાવવાની કામગીરીને રાખવામા આવી હતી. જે માટે મનપાની ટિમ દ્વારા વિવિધ સ્પોટ પર સર્વે કરવામાં આવ્યા ચ્હે. જેમાં મુખ્યત્વે આદિપુર અને ગાંધીધામમાં જ્યાં માર્ગોને પહોળા કરવામાં જે દબાણો નડતાં હતા તેમણે નોટિસો આપી દબાણ હટાવવાનું કહેવામા આવતા લોકોએ સ્વેચ્છાએ જ દબાણો હટાવી નાખ્યા હતા અને જે બાકી રહી ગયા હતા તે મનપાની ટીમે હટાવ્યા છે. 

આ અંગે ગાંધીધામ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશ્નર સંજય રામાનુજે માહિતી આપતા જણાવ્યુ હતું કે, મનપા દ્વારા ગાંધીધામના સુંદરપૂરી વિસ્તારમાં માર્ગો પહોળા કરવા માટે નડતાં દબાણો હટાવવા નોટિસો અપાઈ હતી. જેથી મોટા ભાગના લોકો દ્વારા સ્વેચ્છાએ દબાણો હટાવી નાખ્યા હતા. જોકે અમુક દબાણો હટાવવાના બાકી રહી ગયા હોવાથી મનપા ની ટિમ દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. જેમાં સુંદરપૂરી વિસ્તારમાં આવેલી ૨૦ પાકી દુકાનો, ૩૦ શેડ અને ૬૦ ઓટલા મળી એક દિવસની કામગીરીમાં કુલ ૧૧૦ દબાણો હટાવી નાખવામાં આવ્યા છે. જોકે આ દબાણ હટાવવાની પ્રવૃતિ ચાલુ જ રહેશે. જેમને પણ નોટિસ મળી છે તે સ્વેચ્છાએ દબાણ હટાવી લે તેવી અપીલ પણ તેમણે કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીધામ મનપા દ્વારા એક મહિના પહેલા આદિપુરમાં દબાણ હટાવવામાં આવ્યું હતું. જે બાદ અચાનક દબાણ હટાવવાની કામગીરી પર બ્રેક લાગી ગયો હતો અને માત્ર સર્વે કામગીરી જ ચાલુ રહી હતી. ત્યારે એક મહિનાના વિરામ બાદ મનપાએ ફરી દબાણ હટાવવાની કામગીરી આરંભી છે. 

મહિના પહેલા જ્યાંથી દબાણ હટયા ત્યાંથી મલબો હજુ નથી હટયો 

મનપા દ્વારા છેલ્લે ૧૦ ફેબ્આરીના રોજ આદિપુર ખાતે દબાણ હટાવવાની કામગીરી કરાઇ હતી. જે દરમિયાન પાલિકાનું બુલડોઝર ફરતા મલબો તે વિસ્તારમાં પથરાઈ ગયો હતો અને સ્થાનિકોને ભૂકંપની યાદ તાજી થઈ ગઈ હતી. આ વાતને મહિનો થઈ ગયો છે છતાં હજુ સુધી દબાણ હટાવ્યું તે વિસ્તાર માઠી મલબો ઉપાડવામાં નથી આવ્યો પરિણામે સ્થાનિક લોકોને જ પરેશાની ભોગવવી પડી રહી હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું.