ખ્યાતિકાંડ બાદ રાજ્યમાં ચાલતી તપાસમાં
ભુજની એક ખાનગી હોસ્પિટલનો સેવા ન આપવા બદલ ખુલાસો મંગાયો બીજીને અધૂરાશ માટે નોટિસ
ગાંધીધામની બાળકોની હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની ટીમને તપાસમાં ક્લિનિકલ નોટસની વિસંગતા જણાયાની રાજ્યકક્ષાએ રજૂ કરાયેલી વિગતોને પગલે તન્મય ચિલ્ડ્રન હોસ્પિટલને છ મહિના માટે સસ્પેન્ડ કરાઈ હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.
છાતીના દુખાવાને પગલે વધુ તપાસ માટે રીફર કરાયેલા દર્દીને બાયપાસ સર્જરીની જરૂર હોવાનું ભુજની કે.કે.પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબ દ્વારા જણાવાયા બાદ આયુષ્માન કાર્ડ હોવા છતાં ના પાડી દેવાયાની જિલ્લા કલેક્ટરને પીડિત પરિવારે રજૂઆત કરી હતી. ઉપરાંત રાજ્યના આરોગ્ય તંત્રને ફરિયાદ કરી હતી. આ દર્દીની રજૂઆતના અનુસંધાને આરોગ્ય વિભાગે હોસ્પિટલનો ખુલાસો પૂછ્યો હોવાનું આરોગ્ય તંત્રના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
ભુજની કચ્છ ઓર્થોપેડિક હોસ્પિટલની આરોગ્ય ટીમની મુલાકાત દરમિયાન તબીબી સંલગ્ન માનવબળ ઉપરાંત સાધન સામગ્રી નિયમોનુસાર ન હોવાનું જણાતાં નોટિસ અપાઈ હોવાનું આરોગ્ય વર્તુળોએ જણાવ્યું હતું.


