કચ્છ: ગાંધીધામના વેપારીને વિદેશી નંબરથી મળી 'પતાવી દેવા'ની ધમકી, રૂ. 2 કરોડની ખંડણીની માગ

Gandhidham News : કચ્છના ગાંધીધામમાં રહેતા અને મૂળ રાજસ્થાનના એક યુવા વેપારી પાસેથી વિદેશી નંબર પરથી વોટ્સએપ કોલ દ્વારા રૂ. 2 કરોડની ખંડણીની માંગણી કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. આરોપીએ ખંડણી નહીં આપવા બદલ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
2 કરોડની માંગણી, ઓડિયો ક્લિપ પણ મોકલી
મળતી માહિતી મુજબ, આ યુવા વેપારી (જેઓ ગળપાદર, ગાંધીધામમાં રહે છે)ને ગત 26 સપ્ટેમ્બરના રોજ વિદેશી નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. કોલ કરનાર અજાણ્યા આરોપીએ તેમની પાસે બે કરોડ રૂપિયાની માંગણી કરી હતી અને ધમકીભરી એક ઓડિયો ક્લિપ પણ મોકલી હતી. જો વેપારી દ્વારા આ ખંડણીની રકમ નહીં ચૂકવવામાં આવે તો તેમને પતાવી દેવાની સ્પષ્ટ ધમકી આપવામાં આવી હતી.
ગાંધીધામ 'A' ડિવિઝન પોલીસમાં ફરિયાદ
બનાવની ગંભીરતા જોતા વેપારીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. ગઈકાલે બુધવારે (1 ઓક્ટોબર) રાત્રે તેમણે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ગંભીર ફરિયાદને ધ્યાનમાં લઈને ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકીના આ ફોનકોલ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ઓડિયો ક્લિપ અને ફરિયાદના આધારે વધુ વિગતો મેળવીને આરોપીઓ સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં ગાંધીધામમાં વેપારીઓ પાસેથી ખંડણી માંગવાના અને અપહરણના બનાવો સામે આવી ચૂક્યા છે, ત્યારે આ નવા બનાવને પોલીસે અત્યંત ગંભીરતાથી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.