ગાંધી-સરદારે આઝાદી અપાવી, હવે 2 ગુજરાતીએ સંવિધાનને ખતરામાં મુક્યું
કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં રાષ્ટ્રીય પ્રમુખ ખડગેના પ્રહાર : કાર્યકર તરીકેના કાર્યકાળમાં અન્યાય થયો છતાં વિચારધારા ન છોડી તેના પરિણામે કોંગ્રેસનું રાષ્ટ્રીય સુકાન મળ્યું: ખડગે
જૂનાગઢ, : ગુજરાતભરના કોંગ્રેસના જિલ્લા અને મહાનગરના પ્રમુખોની 10 દિવસની પ્રશિક્ષણ શિબિરનો આજે જૂનાગઢ ખાતે ભવનાથ તળેટીમાં પ્રારંભ થયો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે શિબિરને ખુલ્લી મુકવામાં આવી છે. તેમણે જિલ્લા પ્રમુખોને અનેક મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું. 'ગાંધીજી અને સરદાર પટેલે દેશને આઝાદી અપાવી, હવે ગુજરાતના જ બે વ્યક્તિ સંવિધાનને ખતરામાં મુકી રહ્યા છે' તેવો સૂચક આક્ષેપ પણ તેમણે કર્યો હતો.
કોંગ્રેસ દ્વારા સંગઠન સૃજન હેઠળ ગુજરાતના દરેક જીલ્લા અને મહાનગરોના પ્રમુખને સરકાર સામે લડવા, પ્રજાના પ્રશ્નો ઉઠાવવા અને આગામી તાલુકા-જીલ્લા પંચાયત તથા વિધાનસભાની ચૂંટણીનું માર્ગદર્શન આપવા માટે રખાયેલી આ શિબીરમાં પ્રથમ દિવસે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક કલાકથી વધુ સમય સુધી સંબોધન કર્યું હતું. પોતાના અનુભવો જણાવતા દાખલો આપ્યો હતો કે, તેમના વિરોધીઓને કોંગ્રેસમાં સ્થાન અપાયું ત્યારબાદ છેક તેમને ટિકિટ - મંત્રીપદ અપાયું છતાં પણ મક્કમ મને કોંગ્રેસની સાથે કામ કર્યું હતું તેના પરિણામે આજે સમગ્ર દેશનું કોંગ્રેસ પક્ષનું સુકાન સોંપવામાં આવ્યું છે. કોઈપણ સંજોગોમાં પક્ષને વફાદાર રહી કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ. તેમણે કહ્યું, 'દેશમાં ગુજરાતનું ખુબ મોટું મહત્વ રહ્યું છે. ગાંધીજીએ મહત્વની લડત કરી આઝાદી અપાવી, તેવી જ રીતે સરદાર પટેલે નાના-નાના રજવાડાઓને એકઠા કરી તમામને એક કર્યા હતા. પરંતુ, હવેના બે ગુજરાતીઓએ આઝાદીની વિરૂધ્ધ તથા સંવિધાનની વિરૂધ્ધનું કામ શરૂ કર્યું છે. હાલના આ બંને ગુજરાતીઓ સંવિધાન તોડી ગાંધી અને સરદારની વિચારધારાને નેસ્તનાબુદ કરવા પ્રયાસો કરી રહ્યા છે. કોંગ્રેસ પક્ષના કાર્યકરે ગાંધીજી અને સરદારની વિચારધારા બચાવવા માટે એક થઈ લડવું પડશે. હાલમાં અમીર અને ગરીબ વચ્ચે મોટી ખાઈ પડી રહી છે.