Get The App

સૌરાષ્ટ્રના વૃંદાવન સમા માધવપુરમાં શ્રીકૃષ્ણ- રૂક્ષ્મણીજીના ગાંધર્વ લગ્ન

Updated: Apr 9th, 2025

GS TEAM

Google News
Google News
સૌરાષ્ટ્રના વૃંદાવન સમા માધવપુરમાં શ્રીકૃષ્ણ- રૂક્ષ્મણીજીના ગાંધર્વ લગ્ન 1 - image


એન્ટિક રથમાં આરૂઢ થયેલા માધવરાયજીને ગાર્ડ ઓફ ઓનર અપાયું : જાન મધુવનમાં પહોંચતાં  પિયરપક્ષ સાથે કુંવારિકાઓએ કળશ માથે લઈને ઠાકોરજી અને જાનનું ભવ્ય સ્વાગત કર્યું : ભગવાનને કંસાર પીરસાયો

માધવપુર, : રમણીય સાગરકાંઠે આવેલા ઘેડ પંથકના વૃંદાવન ગોકુળ સમા માધવપુરમાંઠાકોરજીના ત્રણ ફુલેકાંઓ યોજાયા બાદ ભગવાન શ્રીકૃષ્ણ સંગ રૂક્ષ્મણીજીના લગ્ન ગાંધર્વ વિધિથી યોજાયા હતા. આ વેળા લોકોમાં ભારે ધામધૂમ અને આનંદ છવાયો હતો. આજે કડછ ગામના લોકોએ મામેરિયાત બનીને  રૂક્ષ્મણીજીના મામેરા પૂર્યા હતા. એ વખતે ભારે ભાવભર્યા દ્રશ્યો અને આનંદમંગળ વર્તાયો હતો. આજે માધવપુર કૃષ્ણની પ્રેમનગરી બની ગઈ હતી. 

માધવપુરમાં રામનવમીથી ઠાકોરજીનો લગ્નોત્સવ યોજાયો હતો. સવારે રૂક્ષ્મણીજીના મામેરા પુરવાની અગત્યની વિધિ યોજાઇ હતી. એમાં કડછ ગામના મહેર સમાજના કડછા સમુદાય મામૈરા પુરવા માટે મામેરિયાત બનીને વાજતે ગાજતે રૂક્ષ્મણીજી મઠે પહોંચ્યા હતા અને ભાવભેર રૂક્ષ્મણીજીના મામેરા પૂર્યા હતા. અહી એક એવી પણ રસમ છે કે મામેરિયાઓ સમાચાર આપે કે મામેરા પૂર્યા ત્યારે પિયર પક્ષ જાન પક્ષને કહેવડાવે છે કે મામેરા પુરાઈ ગયા છે અને રૂક્ષ્મણીજીના સાસરે એટલે કે માધવરાય મંદિરે જઈ જાન લઈ આવવા આમંત્રણ મોકલવામાં આવે એટલે જાન પ્રસ્થાન થાય છે. આ રસમ અહી યોજાઈ હતી. 

આ જાન પ્રસ્થાન વેળા ભગવાનને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતુ. જાન સૌ પ્રથમ મેળાના ગ્રાઉન્ડમાં પહોંચી હતી અને પ્રભુના રથને મેળાના ગ્રાઉન્ડમાંથી પુરપાટ વેગે રથને દોડાવવામાં આવ્યો હતો. જયારે મધુવનમાં પહોંચી ત્યાર પિયરપક્ષની સાથેની કુવારી કન્યાઓએ માથા પર મોતીની હીંઢોણી અને કળશ સાથેે જોડાઈને ભગવાન શ્રીકૃષ્ણ અને જાન, જાનૈયાનું સ્વાગત કર્યુ હતુ. એ પછી ભગવાનને વેદમંત્રો સાથે પ્રોક્ષણ (પોખવાની વિધિ) કરવામાં આવ્યું હતુ. ત્યાર બાદ મંડપમાં ઠાકોરજીને લગ્ન માટે બિરાજમાન કરવામાં આવ્યા હતા. અહી કુલગોરે દેવમંત્રોના ભવ્ય ઉચ્ચારણો સાથે  ભગવાન શ્રીકૃષ્ણના રૂક્ષ્મણીજી સંગ વેદમંત્રો સાથે ગાંધર્વ વિધિથી લગ્ન કરાવ્યા હતા. મધુવનમાં મંડપમધ્યે પરણી ચૂકેલા યુગલ સ્વરૂપ શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીજીને કંસાર જમાડવામાં આવ્યો હતો. આ વખતે બહેનોએ કંસાર સમયના લગ્નગીતોની રમઝટ બોલાવી હતી. ભાવિકોને કંસાર પ્રસાદ સ્વરૂપે આપવામાં આવ્યો હતો. 

રાતવાસો મધુવનમાં કર્યા બાદ ગુરૂવારે સવારે   યુગલસ્વરૂપ ઠાકોરજી અને રૂક્ષ્મણીજીને તીલક કરવા તેમજ હાથ ઘરણું હાથોહાથ કરવાનો લોકો લાભ લેશે અને મધુવનથી સવારે ઠાકોરજી બધાને મળશે. એ પછી મધુવનમાંથી પ્રસ્થાન થયેલી જાન નીજમંદિરે પહોંચશે. રસ્તામાં અબીલ ગુલાલની છોળો ઉડશે અને રસ્તામાં અબીલ ગુલાલની ચાદર છવાઈ જશે. જાન માધવચોકમાં પહોંચશે ત્યારે કીર્તનો થશે અને પોખણાની વિધિ થશે. એ પછી ભગવાન મંદિરમાં યુગલ સ્વરૂપે બિરાજમાન થશે. તેમને શીતલ જળ ધરાવવામાં આવશે. તે પછી  ભાવિકોને શીતલ જલ અને પ્રસાદ વિતરણ કરવામાં આવશે. 

Tags :