Get The App

આણંદ શહેરમાં કેપેસિટી કરતા વધુ ભીડ સાથે ગેમ ઝોન ધમધમતા થયા

Updated: May 20th, 2025

GS TEAM

Google News
Google News
આણંદ શહેરમાં કેપેસિટી કરતા વધુ ભીડ સાથે ગેમ ઝોન ધમધમતા  થયા 1 - image


- વર્ષ પૂર્વે રાજકોટમાં 27 વ્યક્તિઓના મોત થયા હતા

- બહાર નીકળવાની વ્યવસ્થાના આદેશ છતાં કેટલાક ગેમ ઝોનમાં હજૂ ઈમરજન્સી એક્ઝિટની અસુવિધા 

આણંદ : રાજકોટના ગેમ ઝોનમાં વર્ષ પૂર્વે લાગેલી આગમાં ૨૭ જિંદગીઓ હોમાઈ ગઈ હતી. બાદમાં તંત્રએ મંજૂરી વિના ચાલતા ગેમ ઝોન સામે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે વેકેશનના માહોલ વચ્ચે આણંદમાં પુનઃ ભારે ભીડ વચ્ચે જોખમી રીતે ગેમ ઝોન ધમધમતા થયા છે. કેપેસિટી કરતા વધુ સંખ્યામાં એકત્ર થતા ગેમ ઝોન વિરૂદ્ધ તંત્ર કાર્યવાહી કરશે કે નહીં તેવા સવાલો ઉઠી રહ્યા છે.

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં મે-૨૦૨૪માં વિકરાળ આગ લાગતા હોનારત સર્જાઇ હતી. હાઇકોર્ટ દ્વારા આ ઘટનાને માનવ સજત ગણાવવામાં આવતા સરકાર પણ જાગી હતી અને રાજ્યભરના ગેમ ઝોન તથા બહુમાળી ઇમારતો ખાતે ચેકિંગ શરૂ કર્યું હતું. આણંદમાં પણ પરમિશન વિના ચાલતા ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા હતા. જોકે આ ઘટનાને એક વર્ષ જેટલા સમય બાદ હવે પુનઃ એક વાર આણંદમાં કેટલાક સ્થળોએ ગેમ ઝોન ધમધમતા થયા છે. અત્યંત જોખમી એવા કેટલાક ગેમ ઝોનમાં ક્ષમતા કરતા ભારે ભીડ જોવા મળી રહી છે. તંત્રએ આપેલી ગાઈડલાઈન પૈકી કેટલીક ગાઈડલાઈનનું સરેઆમ ઉલંઘન થતું પણ જોવા મળી રહ્યું છે. કોઈ હોનારત સર્જાયા બાદ તંત્ર કાર્યવાહીના નામે થોડો સમય પગલાં લે છે. બાદમાં જાણે કંઈ બન્યંન જ ન હોય તેમ તંત્ર પાણીમાં બેસી જતું હોવાથી આવા ગેમ ઝોનના સંચાલકોને મોકળું મેદાન મળતું હોવાનો આક્રોશ નગરજનો વ્યક્ત કરી રહ્યા છે. ગણતરીની મિનિટો માટે કોઈ એક રમત માટે ૧૦૦થી ૧૫૦ રૂપિયા વસૂલી ગ્રાહકો સાથે ખૂલ્લેઆમ છેતરપિંડી કરાઈ રહી હોવાના આક્ષેપ ઉઠયા છે. કોઈ હોનારત સર્જાય ત્યારે લોકો ઝડપથી બહાર જઈ શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાના આદેશ હોવા છતાં હજી પણ આણંદમાં કેટલાક ગેમ ઝોનમાં ભારે ભીડ વચ્ચે ઇમરજન્સી એક્ઝિટની અસુવિધા જણાઈ રહી છે. ચાલતા ફરતા મોત સમાન ગેમ ઝોન સામે તંત્ર લાલ આંખ કરશે કે કેમ તે જોવું રહ્યું.

ભીડ અંગે નિયમ બદાવતા અંતે જિલ્લા કલેક્ટરે સ્વીકારી તપાસ કરવા જણાવ્યું

આ અંગે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે, આણંદ સોજીત્રા રોડ ઉપર આવેલા મારુતિ સોલારીસ ખાતેના ગેમ ઝોનને સ્થળ તપાસ કર્યા બાદ ગાઈડલાઈન મુજબ પરમિશન આપવામાં આવી છે. 

ગેમ ઝોનમાં જામતી ભીડ બાબતે તેઓને પૂછતા સરકાર દ્વારા ભીડ બાબતે કોઈ નિયમ બનાવ્યો નથી, તમારી જાણમાં નિયમ હોય તો મને બતાવજો તેમ જણાવ્યું હતું.

 ગૃહ વિભાગની ગાઈડલાઈનમાં ઇન્ડોર ગેમ ઝોનમાં કેપેસિટી કરતા વધુ પ્રમાણમાં લોકો એકત્ર ના થાય તે અંગેનો નિયમ જિલ્લા કલેકટરને બતાવતા તેમણે પણ સ્વીકાર્યું હતું અને એસડીએમને આ અંગે જાણ કરી તપાસ કરાવવામાં આવશે તેમ અંતમાં જણાવ્યું હતું.

Tags :