સુરતની ધ્રુવિન પી. પટેલ એજન્સીએ ગંભીરા બ્રિજ પર ગયા વર્ષે રૃા.૧.૧૮ કરોડના ખર્ચે રિપેરિંગ કર્યુ હતું
બ્રિજનું સ્ટ્રક્ચર તકલાદી થયું હોવા છતાં તે અંગે કન્સલ્ટન્ટે કોઇ સઝેશન માર્ગ અને મકાન વિભાગને કર્યું ન હતું
વડોદરા, તા.9 ગંભીરા બ્રિજનું સમારકામ ગયા વર્ષે રૃા.૧.૧૮ કરોડના ખર્ચે જૂન માસમાં જ કરવામાં આવ્યું હતું. દર વર્ષે સમારકામ માટે પણ લાખો રૃપિયા ખર્ચ કરવામાં આવતો હતો તેમ જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે મહી નદી પરના આ બ્રિજનું નિર્માણ વર્ષ-૧૯૮૫માં થયું હતું. આ બ્રિજ ભરૃચ જિલ્લામાંથી તેમજ મધ્ય ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર તરફ જવાના માર્ગો માટે મહત્વનો હતો. વાહનોની અવરજવરથી આ બ્રિજ સતત ધમધમતો રહેતો હતો. છેલ્લા ૧૦ વર્ષથી બ્રિજની હાલત ખખડધજ થવા આવી હતી અને વારંવાર તેને રિપેરિંગ કરવાની ફરજ પડતી હતી.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગયા વર્ષે સુરતની એજન્સી ધુ્રવિન પી. પટેલને રૃા.૧.૧૮ કરોડનો વર્ક ઓર્ડર આપ્યો હતો. આ એજન્સીએ બ્રિજની પેરાપિટ તેમજ બ્રિજ પર રિસરફેસિંગની કામગીરી જુલાઇ-૨૦૨૪ સુધી પૂર્ણ કરી હતી. આ ઉપરાંત આ વર્ષે પણ ચોમાસામાં બ્રિજ ઉપર તેમજ એપ્રોચ રોડ પર મોટા મોટા ખાડા પડી જતા ફરી તેને પૂરવામાં આવ્યા હતાં.
ગયા વર્ષે જ કન્સલ્ટન્ટ દ્વારા સ્થળ વિઝિટ કરી હતી અને એવું સજેેૈશન આપવામાં આવ્યું હતું કે વિયરિંગ કોટ કરાવવાની જરૃર છે તેમજ વાઇબ્રેશન તૂટી રહ્યું છે અને જોઇન્ટ લોખંડની પટ્ટી ડેમેજ થઇ રહી છે પરંતુ તે સમયે બ્રિજના સ્ટ્રક્ચરને લગતું કોઇ સજેશન આપવામાં આવ્યું ન હતું. એવું પણ મનાય છે કે મોટું રિપેરિંગ થતું હોવાથી તે અંગે કોઇ સલાહ અપાઇ ન હતી.