Get The App

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે નવો બ્રિજ બનાવાશે, રાજ્ય સરકારે 212 કરોડ રૂપિયા કર્યા મંજૂર

Updated: Jul 13th, 2025

GS TEAM

Google News
Google News
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે નવો બ્રિજ બનાવાશે, રાજ્ય સરકારે 212 કરોડ રૂપિયા કર્યા મંજૂર 1 - image
Image: IANS

Gambhira Bridge Tragedy: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુરમાં 9 જુલાઈ 2025ના રોજ ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં 20 લોકોના મોત નીપજ્યા હતા. બ્રિજ દુર્ઘટનાને લઈને પોલીસ અને સરકાર દ્વારા તપાસ હાથ ધરાઈ છે. ત્યારે હવે બ્રિજ દુર્ઘટના બાદ મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે કે, મુજપુર પાસે મહી નદી પર નવો બ્રિજ બનશે. નવા ટુ લેન હાઈલેવલ બ્રિજ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 212 કરોડ મંજૂર કરાયા છે. દુર્ઘટનાગ્રસ્ત બ્રિજની સમાંતર નવો બ્રિજ તૈયાર કરાશે. 18 મહિનામાં પૂલ નિર્માણ માટે ટેન્ડરિંગ પ્રક્રિયાનો તાબડતોડ આરંભ કરાયો છે.

212 કરોડના ખર્ચે મુજપૂર પાસે નવો ટુ લેન હાઇલેવલ પુલ બનાવાશે: મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપૂર પાસે મહી નદી ઉપર નવો ટુ લેન પૂલ બનાવવા માટેની માર્ગ અને મકાનને વહીવટી મંજૂરી આપી છે. આ પૂર પાદરા અને આંકલાવને જોડશે.

દુર્ઘટનાગ્રસ્ત પૂલની સમાંતર બનનારા આ નવા પૂલ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાજેતરમાં સર્વે કરી ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યાં નવો પૂલ બનાવવાની કાર્યવાહી આદરવામાં આવી હતી.

એ દરમિયાન અહીં પૂલ તૂટી પડવાની દુર્ઘટના બનતા મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને પરિવહનથી જોડવા ઉપરાંત સ્થાનિકને રોજગારીના પ્રશ્નો, છાત્રોને આવાગમનના પ્રશ્નો સર્જાયા હતા. તેને ધ્યાને રાખી મુખ્યમંત્રીએ તત્કાલ આ પૂલ બનાવવાની મંજૂરી આપી છે.

માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર એન. વી. રાઠવાએ જણાવ્યું કે, મુજપૂર એપ્રોચ રોડ હાલમાં જે ટુ લેન છે, એને ફોર લેન કરી 7 મિટરનો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાઇવેથી પૂલ સુધી પહોંચવાના 4.2 કિલોમીટર માર્ગને ફોર લેન કરવામાં આવશે.

દુર્ઘટનાગ્રસ્ત પૂલની સમાંતર નવો ટુ લેન હાઇલેવલ પૂલ બનાવવામાં આવશે. આ બન્ને કામ માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા રૂ.212 કરોડની વહીવટી મંજૂરી પ્રદાન કરવામાં આવી છે. પૂલ બનાવવાની કામગીરી 18 માસમાં પૂર્ણ કરવામાં આવશે. એના ટેન્ડરિંગ પ્રક્રીયા પણ આરંભી દેવામાં આવી છે.


Tags :