ગંભીરા પુલ દુર્ઘટના : આંકલાવ, બોરસદના લોકોને 40 કિ.મી. ફરીને પાદરા જવું પડશે
- લોકોનો સમય અને ખર્ચ વધશે
- બંને તાલુકાના નોકરિયાતો અને કામ માટે જતા લોકોને હવે ઉમેટા અથવા વાસદ થઈને પાદરા જવાની નોબત
ગંભીરા પુલથી પાદરા જંબુસર શોર્ટકટ હોવાથી આંકલાવ અને બોરસદ તાલુકાના ૩૦૦૦થી વધુ યુવાનો બાઇક, બસ રિક્ષા અને ટ્રકોમાં મુસાફરી કરી રોજબરોજ નોકરી કરવા જતા હતા. હવે પૂલ તૂટી પડતા તમામ નોકરિયાતોને વાયા ઉમેટા અથવા વાસદ થઈને અંદાજિત ૪૦ કિ.મી.થી વધુ ફરીને પાદરા અથવા જીઆઇડીસીમાં જવું પડે તેમ છે.
જેથી આવવા જવાનું ભાડું પણ અડધા પગારથી વધુ થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. જેને કારણે કેટલા યુવકોને નોકરી ગુમાવવાનો વારો આવી શકે તેમ છે.
તદ ઉપરાંત આ વિસ્તારમાં બેરોજગારીની સમસ્યા પણ સર્જાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. પાદરા જંબુસર જીઆઇડીસીમાં જતા આણંદ જિલ્લાના નોકરિયાતોએ આણંદ જિલ્લા કલેકટરના પીએએને ફોન કરીને રોજગારી સંદર્ભે જણાવ્યું હતું કે, હવે પુલ તૂટી જતાં અમારે ઉમેટા અથવા વાસદ થઈને જવું પડે તેમ છે. હાલ અમને ૫૦૭ રૂપિયા દૈનિક રોજ આપવામાં આવે છે. ત્યારે નવા વૈકલ્પિક માર્ગ ઉપર જવાથી ૪૦ કિલોમીટર થી વધુ અંતર કાપવું પડે તેમ છે. જેથી અડધો પગાર ભાડામાં વપરાઈ જાય તો અમારા પરિવારનું જીવન નિર્વાહ કેવી રીતે ચલાવો એ પ્રશ્ન સર્જાઈ રહ્યો છે. કાંઠાગાળાના યુવકોને જો રોજગારી નહીં મળે તો મોટી બેરોજગારી સર્જાય તેવી સ્થિતિ છે. ઘરનો ચુલો પણ સળગે નહીં તેવી સ્થિતિ પેદા થાય તેમ છે. જેથી વહીવટી તંત્ર દ્વારા જીઆઇડીસીના ઉદ્યોગિક એકમોના માલિકોને આ વિસ્તારમાંથી આવતા નોકરિયાતોને ભાડાની રકમમાં વધારો કરી આપવામાં આવે તેવી માંગણી કરાઈ હતી.
નોકરિયાતોની રજૂઆત શ્રમ વિભાગને કરાશે : કલેક્ટરના પીએ
આણંદ જિલ્લા કલેકટરના પીએએ જણાવ્યું હતું કે, હાલ બચાવ કામગીરી મુખ્ય સ્થાને છે. જેથી આવનાર દિવસોમાં તમારી રજૂઆત શ્રમ વિભાગ કે અન્ય સંબંધિત વિભાગમાં કરવામાં આવશે. પુલને બનવામાં ઘણો સમય લાગે તેમ છે જેથી આ બાબતે કલેકટર ગંભીરા રેસ્ક્યુ ટીમમાં ગયા હોવાથી આવ્યા પછી તેમની સાથે ચર્ચા કરીને તમને યોગ્ય જવાબ આપીશું.
પૂનમે દરિયામાં ભરતીના લીધે રેસ્ક્યૂમાં મુશ્કેલીઓની સંભાવના
ખંભાતના દરિયામાં પૂનમની રાતે ભરતી આવતી હોય છે એટલે કે આજે રાત્રે પૂનમની ભરતીની શરૂઆત થઈ જતી હોવાથી દરિયામાં ભરતી આવતા ખંભાતના દરિયાનું પાણી છેક ઉમેટા સુધી આવી જતું હોય છે. જેથી મોડી રાત બાદ રેસ્ક્યુના કામમાં પાણીનો ભરાવો થતા વિલંબ અને મુશ્કેલીઓ સર્જાય તેવું ગ્રામજનો જણાવી રહ્યા હતા.
સ્થાનિક લોકોએ રેસ્ક્યૂ કર્યું, વહિવટી તંત્રની પોલ ખૂલતા વીડિયો વાયરલ
આણંદઃ ગંભીરા મુજપુરની દુર્ઘંટનામાં વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા હોય તેમ લાગી રહ્યું છે. સ્થાનિક ગામનાલોકોના જણાવ્યા મુજબ, રેસ્ક્યુ માટે વહીવટી તંત્ર પાસે માત્ર બે બોટ જ હતી. જેમાં સાધનોનો પણ અભાવ હતો તે સિવાય પોલીસ તંત્ર દ્વારા કોઈને પણ જવા દેવામાં આવતા ન હતા. જેથી સ્થાનિક ગ્રામજનોએ રેસ્ક્યુની કામગીરી પોતાના હાથમાં લઈને જીવના જોખમે નદીમાં પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જેનો જશ વહીવટી તંત્રએ લેતા ગ્રામજનોએ વહીવટી તંત્રની પોલ ખુલતા વીડિયો વાયર કર્યા હતા.