Gujarat

સસ્પેન્ડેડ ઇજનેરોને એસીબીનું તેડુ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સસ્પેન્ડેડ ઇજનેરની એસીબી દ્વારા પૂછપરછ

By GS TEAM
31 Jul 20252 mins read
સસ્પેન્ડેડ ઇજનેરોને એસીબીનું તેડુ  ગંભીરા  બ્રિજ દુર્ઘટનામાં સસ્પેન્ડેડ ઇજનેરની એસીબી દ્વારા પૂછપરછ

વડોદરા, તા.31 વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મહિ નદી પરના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગના ત્રણ સસ્પેન્ડેડ ઇજનેરો સામે લાંચ રુશ્વત વિરોધી બ્યૂરો દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે. આજે એક ઇજનેરની છ કલાક સુધી પૂછપરછ કરી આવક અંગેની વિગતો એકત્ર કરાઇ હતી.

ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં ૨૧ વ્યક્તિના મોત નિપજ્યા હતાં. આ ગંભીર દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એન.એમ. નાયકાવાલા, હાલના નાયબ કાર્યપાલક ઇજનેર યુ.સી. પટેલ, પૂર્વ નાયબ કાર્યપાલક ઇજનેર આર.ટી. પટેલ અને મદદનીશ ઇજનેર જે.વી.શાહને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતાં. દરમિયાન એસીબી દ્વારા ચારેય ઇજનેરો સામે તપાસ કરવા માટે વડી કચેરીમાં પત્ર લખવામાં આવ્યો હતો જે પૈકી યુ.સી. પટેલ, આર.ટી. પટેલ અને જે.વી. શાહની અપ્રમાણસરની મિલકતોની તપાસ માટે મંજૂરી આવતા તપાસ શરૃ કરવામાં આવી હતી.

એસીબી દ્વારા ત્રણે ઇજનેરોને તેમની મિલકતોની વિગતો તેમજ આઇટી રિટર્ન સહિતની વિગતો સાથે આજે હાજર થવા માટે જણાવતા આજે ત્રણે ઇજનેરો નર્મદા ભવન ખાતેની એસીબી કચેરીમાં હાજર થયા  હતાં. એસીબી દ્વારા પ્રથમ યુ.સી. પટેલની પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે તેમની છ કલાક જેટલા સમય સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

યુ.સી. પટેલે પ્રાથમિક જણાવ્યું હતું કે મારા માતા અને પિતા નિવૃત્ત શિક્ષક છે અને નડિયાદ ખાતે ડેરી રોડ વિસ્તારમાં એક મકાન છે. રૃા.૭.૪૦ લાખના દસ્તાવેજની નકલ પણ તેમણે રજૂ કરી હતી. દરમિયાન એસીબીએ વડીલો પાર્જિત મિલકતોની સાથે પોતે વસાવેલી મિલકતોની વિગતો માંગી હતી તેમજ આઇટી પાસેથી પણ વિગતો એકત્ર કરાશે તેમ જાણવા મળ્યું છે. અન્ય બે ઇજનેરોની પૂછપરછ હવે શનિવારે અથવા સોમવારે હાથ ધરાશે તેમ જાણવા મળ્યું છે.