Get The App

ગેલેક્સી ગૃપની ભાગીદારી પેઢીને સ્ટેમ્પ ડયુટી ચોરી બદલ 3.71 કરોડનો દંડ

Updated: Dec 17th, 2025

GS TEAM

Google News
Google News
ગેલેક્સી ગૃપની ભાગીદારી પેઢીને સ્ટેમ્પ ડયુટી ચોરી બદલ 3.71 કરોડનો દંડ 1 - image

રાજકોટ સિટી સ્ટેમ્પ ડયુટી નાયબ કલેક્ટર કચેરી દ્વારા કાર્યવાહી વર્ષ 2012માં રૂા. 15.30 કરોડની મિલકત ખરીદ કરીને સિફતપૂર્વક અડધી જ સ્ટેમ્પ ડયુટી ભરી હતી : 4 નોટિસ છતાં મુદ્દત જ માગી

રાજકોટ, : રાજકોટના ગેલેક્સી ગૃપની એક ભાગીદારી પેઢીમાં વર્ષ 2012માં રૂા. 15.30 કરોડની મિલકતની ખરીદી કરીને સિફતપૂર્વક સ્ટેમ્પ ડયુટી અડધી જ ભરવામાં આવ્યાનો ભાંડો ફૂટતા સ્ટેમ્પ ડયુટી નાયબ કલેક્ટર સિટી કચેરી દ્વારા રૂા. 4.46 કરોડનો દંડ ફટકારીને કાર્યવાહી હાથ ધરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

રાજકોટની પ્રતિષ્ઠિત બિઝનેસ પેઢી ગેલેક્સી ગૃપના સભ્ય રાજેશભાઈ ગોવિંદભાઈ પટેલ કે જે મેસર્સ ખેડૂત નામની પેઢીના ભાગીદાર છે તેમને સિટી સ્ટેમ્પ ડયુટી નાયબ કલેક્ટર કચેરીએ રૂા. 75 લાખ ખુટતી સ્ટેમ્પ ડયુટી અને રૂા. 3.71 કરોડનો દંડ મળીને કુલ રૂા. 4.46 કરોડ ભરપાઈ કરવાનો હુકમ કરાયો છે, જેમાં જણાવાયું છે કે, જો આ હુકમ-કાર્યવાહીથી અસંતોષ હોય તો સ્ટેમ્પ ડયુટી અધિનિયમની કલમ 53(1) અન્વયે ખૂટતી સ્ટેમ્પ ડયૂટીની રકમના ૨૫ ટકા જમા કરાવીને હુકમની તારીખથી 90 દિવસના સમયગાળામાં અપીલ કરી શકશે.

આ મામલે રાજકોટ સિટી સ્ટેમ્પ ડયુટી કચેરીના નાયબ કલેક્ટર ડી.વી. વાળાએ જણાવ્યું કે, મેસર્સ ખેડૂત નામની પેઢીમાં રાજેશભાઈ ગોવિંદભાઈ પટેલ, કિરણભાઈ વાલજીભાઈ ભાલોડીયા, રશ્મીકાંત વાલજીભાઈ ભાલોડીયા, રજનીકાંત મોહનલાલ ભાલોડીયા અને નવીનચંદ્ર મોહનલાલ પટેલ અને રવજીભાઈ ભાણજીભાઈ ભાડજા ભાગીદારો હતા, જેમણે વર્ષ 2012માં એક મિલકત ખરીદ કરી હતી, જેની બજાર કિંમત રૂા. 15.30 કરોડ નક્કી કરવામાં આવી હતી અને તેના પર રૂા. 75 લાખ જેવી સ્ટેમ્પ ડયુટી ભરી હતી. ખરેખર તેમણે રૂા. 1.53 કરોડ જેટલી સ્ટેમ્પ ડયુટી ભરવાની થતી હતી. જે ગેરરીતિ સામે આવતા ભાગીદારોને અગાઉ ચાર વખત નોટિસની બજવણી કરવામાં આવી હતી. જો કે, તેઓએ માત્ર મુદત માંગ્યે રાખી હતી. પરિણામે હવે તેઓને રૂા. 75,01,773 ખૂટતી ડયુટી અને કલમ-1(B) મુજબ રૂા.3,71,20,828 નો દંડ સહિત કુલ રૂા. 4,46 કરોડથી વધુની રકમ ભરપાઈ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.