પાલીતાણા શેત્રુંજ્ય ડુંગર પર ગજકેસરી સિંહ લટાર મારતો દેખાયો : વિડીયો વાયરલ

- દાદાના દરબારથી થોડે દૂર જ સિંહ આવી ચડતા યાત્રીકોમાં ફફડાટ
- તળેટીવાળા ડુંગર વિસ્તારમાં સાત સિંહના લોકેશન, વનવિભાગનું સઘન પેટ્રોલીંગ શરૂ
મળતી વિગતો મુજબ પાલીતાણા પંથકમાં પર્યાપ્ત પાણી ખોરાક અને આબોહવા માફક આવતા લાંબા સમયથી સિંહ પરિવારના ધામા છે. આદપુર, અનિડા, ઘેટી, શેત્રુંજ્ય કાંઠા વિસ્તાર, રોહિશાળા સહિતના વિસ્તારોમાં ઢળતી સાંજે આ સિંહ જોવા મળે છે. એક અંદાજ મુજબ સમગ્ર પંથકમાં ૨૦થી ૨૫ જેટલા સિંહ પરિવાર હોવાનું મનાય છે. જ્યારે શેત્રુંજ પર્વતના તળેટી વિસ્તારમાં પણ સાતેક સિંહ ઝાડી વિસ્તારમાં સ્થાયી થયા છે. જે મોટા ભાગે જંગલ વિસ્તારમાં વિચરણ કરતા હોય તાજેતરમાં આકસ્મીક રીતે તળેટી ડુંગર પર તા. ૨૪ના રોજ સવારે ૭.૩૦ કલાકના અરસામાં એક સિંહ જંગલ ઝાડીમાંથી દાદાના દરબારથી આશરે ૧૫૦૦ પગથિયા દૂર પગપાળ ાજતા યાત્રાળુઓના માર્ગ પર આવી ચડયો હતો. જેને લઈ બેઘડી યાત્રાળુઓના જીવ પડીકે બંધાયા હતા. જોકે કોઈ પજવણી કે ઉશ્કેરણી નહીં થતા સિંહ લટાર મારીને ફરી ઝાડી જંગલ તરફ વળી ગયો હતો અને કોઈ જાનહાની થવા પામી ન હતી. દરમ્યાન યાત્રાળુઓએ મોબાઈલમાં આ સિંહના દ્રશ્યો દુરથી ઉતાર્યા હતા અને ગણતરીની કલાકોમાં વીડિયો વાયરલ પણ થયો હતો. વન વિભાગને જાણ થતા મોટી સંખ્યામાં ગાર્ડ સાથે ઉચ્ચ અધિકારીઓ પર્વત પર દોડી આવ્યા હતા અને થોડા સમય માટે યાત્રિકોને સ્થિર કરાયા હતા અને સઘન પેટ્રોલીંગ શરૂ કર્યું હતું.









