રાયપર ગામેથી ઝડપાયેલાં મસમોટા દારૂ પ્રકરણે ગઢડા પીઆઇ સસ્પેન્ડ
- એસએમસીના દરોડા બાદ રાજ્યના પોલીસ વડાની કાર્યવાહી
- 12 દિવસ પૂર્વે એસએમસીએ વિદેશી દારૂ, 4 વાહન મળી કુલ રૂ. 1.02 કરોડ નો મુદામાલ કબ્જે લીધો હતો
બનાવની વિગત એવી છે કે, બાર દિવસ પૂર્વે ગઢડા તાલુકાના હરીપરથી રાયપર ગામની વચ્ચે આવેલ રાયપર ગામની પડતર ખારો (જમીન) પર ચાલી રહેલા દારૂના કટીંગ પર સ્ટેટ મોનીટરીંગ સેલે ત્રાટકી રૂા.૭૮,૪૫,૩૫૭ની કિંમતની વિદેશી દારૂની ૧૪,૫૬૫ બોટલો તથા ૨૪ લાખની કિંમતના ચાર વાહન મળી કુલ રૂ.૧,૦૨,૪૫,૩૫૭ નો મુદામાલ જપ્ત કર્યો હતો.આ બનાવ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂનો જથ્થો મંગાવનાર ગામના જ બુટલેગર વિજય રાવુભાઈ બોરીચા, જથ્થો મોકલનાર રાજસ્થાનના કુરસિંહ સહિતના શખ્સો અને દારૂનું કટિંગ કરનાર મજૂરો વિરૂદ્ધ ગઢડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે, ઘટનાના ૧૨ દિવસ બાદ આ ગુનાના આરોપી પોલીસ પક્કડથી દૂર છે તેવામાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આટલી મોટી માત્રામાં દારૂ પકડાવા તથા તે મામલે ફરજમાં બેદરકારી બદલ રાજ્યના પોલીસ વડાએ ગઢડા પોલીસ મથકના પીઆઇ જે.બી પંડિતને સસ્પેન્ડ કર્યા હોવાનું બોટાદ જિલ્લા પોલીસ વડા કે.બી બાલોલિયાએ જણાવ્યું હતું.