Gujarat

જી સ્વાનનું બે દિવસથી નેટવર્ક બંધ કોઠી વિસ્તારની સરકારી કચેરીઓમાં પ્રોપર્ટીકાર્ડ સહિતના ઠપ થયેલા કામો

By GS TEAM
21 Jun 20251 min read
જી સ્વાનનું બે દિવસથી નેટવર્ક બંધ  કોઠી વિસ્તારની સરકારી કચેરીઓમાં પ્રોપર્ટીકાર્ડ સહિતના ઠપ થયેલા કામો

વડોદરા, તા.21 વડોદરાના કોઠી વિસ્તારમાં આવેલી સરકારી કચેરીઓમાં છેલ્લા બે દિવસથી જી સ્વાન નેટવર્ક ઠપ થઇ જવાથી સરકારી કામગીરી બંધ થઇ જતા અનેક નાગરિકોને હેરાન પરેશાન થવું પડયું હતું.

ઉલ્લેખનીય છે કે શહેરના કોઠી વિસ્તારમાં આવેલ જૂની કલેક્ટર કચેરી, કુબેર ભવન તેમજ સિટિ સર્વે કચેરીઓમાં જી સ્વાન બંધ હોવાથી ગઇકાલ અને આજે આખો દિવસ કામગીરીને અસર પડી હતી. સિટિ સર્વે કચેરીમાં આવતા અનેક અરજદારોના કામો ટલ્લે ચડયા હતાં એટલું જ નહી પરંતુ જી સ્વાન ઠપ થવાથી જૂન મહિનાના પગારબિલો બનાવવામાં પણ કર્મચારીઓને હેરાનગતિનો સામનો કરવો પડયો હતો.

પ્રોપર્ટીકાર્ડને લગતી કામગીરી ઉપરાંત કુબેર ભવન ખાતે આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધવાની કામગીરી એક તબક્કે બંધ થઇ ગઇ હતી પરંતુ બીજી સિસ્ટમ હોવાના કારણે થોડા સમય બાદ દસ્તાવેજ નોંધણી ચાલુ થઇ ગઇ  હતી. છેલ્લા બે દિવસથી લોકો હેરાન પરેશાન થઇ રહ્યા હોવા છતાં તેનું નક્કર પરિણામ આજે સાંજ સુધી થઇ શક્યું ન હતું.

જી સ્વાન નેટવર્કમાં ખામી સર્જાતા મહત્વની સરકારી કચેરીઓમાં જ કામગીરીને અસર પડી હતી. કોઠી વિસ્તારમાં આવેલી બે સિટિ સર્વે કચેરીઓ તેમજ જમીન માપણી કચેરી સહિત અન્ય કચેરીઓમાં અરજદારોને છેલ્લા બે દિવસથી ધરમધક્કા થઇ રહ્યા છે.