મહિલા સબ ઇન્સ્પેકટર અમિતા જોશીના વતન ધારીમાં અંતિમ સંસ્કાર કરાયા
પતિ અને સાસરીયા નોકરી છોડી દેવા દબાણ કરતા હોવાથી જીવન ટૂંકાવ્યું હોવાના અમિતા જોશીના પિતાના આક્ષેપ મુદ્દે તપાસ થશે
સુરત, તા.7 ડિસેમ્બર 2020,સોમવાર
સુરતના ફાલસાવાડી પોલીસ લાઈનમાં ગત શનિવારે સવારે નણંદ સાથે ફોન ઉપર વાત કરતી વેળા સર્વિસ રિવોલ્વરમાંથી પેટમાં ગોળી મારી આત્મહત્યા કરનાર ઉધના પોલીસ મથકના મહિલા પીએસઆઈ અમિતા જોશીના વતન ધારીમાં પતિ અને સાસરીયાઓની હાજરીમાં અંતિમ સંસ્કાર કરાયા હતા.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ અમિતા બાબુભાઇ જોશીએ ગત શનિવારે સવારે નણંદ સાથે ફોન ઉપર વાત કરતી વેળા સર્વિસ રિવોલ્વરમાંથી પેટમાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ તંત્રમાં ચકચાર મચાવનાર આ ઘટનામાં સ્મીમેર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ દરમિયાન અમિતા જોશીના નિવૃત પોલીસકર્મી પિતાએ આક્ષેપ કર્યો હતો કે અમિતાને પતિ અને સાસરીયા પુત્રની સંભાળ રાખવા માટે નોકરી છોડવા દબાણ કરતા હતા. પોસ્ટમોર્ટમ બાદ મહિલા પીએસઆઈના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે વતન અમરેલીના ધારી ખાતે લઈ જવાયો હતો. જ્યાં આજે મૃતક પીએસઆઈના પતિ અને સાસરીયાઓની હાજરીમાં અંતિમ સંસ્કાર કરાયા હતા.
મહિધરપુરા પોલીસે આ બનાવમાં અકસ્માત મોતનો ગુનો નોંધ્યા બાદ આત્મહત્યાના કારણને જાણવા તપાસ શરૂ કરી છે. જોકે, પોલીસ મહિલા પીએસઆઈના પિતાએ સ્મીમેર હોસ્પિટલમાં આક્ષેપો કર્યા હતા તે અંગે તેમનું નિવેદન નોંધ્યા બાદ આગળ કાર્યવાહી કરશે.