ભરૂચના ડહેલી ગામની કરૂણતા, પુલના અભાવે નદીના ઘોડાપુર વચ્ચેથી નનામી લઈ જવા ગ્રામજનો મજબૂર
Bharuch News : ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે નદી-નાળા, પુલ-કેનાલ બંને કાંઠે વહેલા લાગ્યા છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ સુધી લોકો અનેક સુખસગવડ અને સુવિધાથી વંચિત છે, ત્યારે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના આદિવાસી વસ્તીવાળા ડહેલી ગામની એક કરૂણ ઘટના સામે આવી છે. જ્યાં પુલના અભાવે નદીના ઘોડાપુર વચ્ચેથી નનામી લઈ જવા માટે ગ્રામજનો મજબૂર થયા હતા.
વિકસિત ગુજરાતની ફાંકા-ફોજદારીને ઉઘાડી પાડતી ઘટના ભરૂચના વાલિયાથી સામે આવી છે. વાલિયા તાલુકાના ડહેલી ગામે ઘણા વર્ષોથી પુલ ન હોવાથી ગ્રામજનો ચોમાસાની ઋતિમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગામ પાસે કીમ નદી પર પુલ ન હોવાથી સ્થાનિકોને હાલાકી ભોગવવી પડે છે, ત્યારે આજે ગ્રામજનો જીવના જોખમે નદીના પાણીના પ્રવાહની વચ્ચેથી નનામી લઈ ગયા હતા.
ગ્રામજનોએ સમસ્યા મામલે અનેક વખત ધારાસભ્ય, તાલુકા પંચાયત સહિત વહીવટીતંત્રમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પ્રકારે ઉકેલ લાવવામાં આવ્યો નથી. સ્થાનિકોની માગ છે કે, નદી પર પુલ અથવા તો નાળાની સુવિધા કરવામાં આવે.