Get The App

ચેક રિટર્નના બે ગુનામાં નાસતો ફરતો આરોપી વિસનગરથી પકડાયો

Updated: Jan 12th, 2026

GS TEAM

Google News
Google News
ચેક રિટર્નના બે ગુનામાં નાસતો ફરતો આરોપી વિસનગરથી પકડાયો 1 - image

- જોરાવરનગર પોલીસે આરોપી સામે કાર્યવાહી આદરી 

- વેશ પલટો કરી દાણા જોવાના બહાને ભૂવો બની ફરતા આરોપીને પોલીસે પકડવા માટે ફિલ્મી દ્રશ્યો સર્જાયા  

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસ ટીમે વેશપલટો કરી ચેક રિટર્ન કેસના આરોપીને બાતમીના આધારે વિસનગરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 જોરાવરનગર પોલીસ મથકની હદમાં રહેતા શખ્સ નિકુંજ વિનુભાઈ પરમાર સામે ચેક રિટર્નના અલગ અલગ બે ગુના નોંધાયા હતા તેમજ કોર્ટે પણ આ ગુનામાં એક વર્ષની સજા ફટકારી હતી.પરંતુ પોલીસ પકડ અને જેલ હવાલેથી બચવા નિકુંજ પરમાર નાસતો ફરતો હતો. જોરાવરનગર પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી નિકુંજ પરમાર છેલ્લા ઘણા સમયથી વિસનગર ખાતે ભુવો બની રહેતો હોવાની અને ત્યાં દાણા જોવાની પ્રવૃતિ કરતો હોવાની બાતમીના આધારે જોરાવરનગર પોલીસ ટીમ વેશપલટો કરી વિસનગર પહોંચી હતી અને દાણા જોવડાવાના બહાને આરોપી નિકુંજનો સંપર્ક કરી વિસનગર બજાર વિસ્તારમાંથી ઝડપી લીધો હતો અને બજારમાં આરોપીને પકડીને લઈ જતા ફિલ્મી દ્રશ્યો પણ સર્જાયા હતા. તેમજ લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડયા હતા. આ સમગ્ર કામગીરીમાં આરોપીને શંકા ન જાય તે માટે મહિલા પોલીસ કર્મચારીને પણ સાથે લઈ જવામાં આવ્યા હતા. નાસતા ફરતા આરોપીને વિસનગરથી ઝડપી પાડી જોરાવરનગર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.